- 8માં દિવસે ભારતને મળી શકે છે મેડલ
- ભારત માટે ઓલિમ્પિક્સનો 7મો દિવસ રહ્યો એકંદરે સારો
- 3 ખેલાડીઓ 7માં દિવસે જીતીને મેડલ માટે એક ડગલું આગળ પહોંચ્યા
ન્યૂઝ ડેસ્ક : ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો 7મો દિવસ ભારત માટે સારો રહ્યો હતો. ભારતીય એથ્લિટ્સે તીરંદાજી, બેડમિન્ટન અને બોક્સિંગમાં જીત મેળવી છે. તીરંદાજ અતનૂ દાસે પુરૂષ સિંગલ્સના અંતિમ 8માં સ્થાન મેળવી લીધું છે. સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને હરાવીને ક્વોર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
3 ખેલાડીઓ પાસેથી રહેશે મેડલ મેળવવાની આશા
બોક્સર સતીષ કુમારે 91 કિલો કેટેગરીમાં અંતિમ 8માં સ્થાન મેળવી લીધું છે. આ સિવાય પુરૂષ હોકી ટીમે ગત ઓલિમ્પિક્સની ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાને 3-1થી હરાવી દીધી છે. આમ, અતનૂ દાસ, પી. વી. સિંધૂ અને સતીષ કુમાર મેડલ જીતવાથી એક કદમ નજીક પહોંચી ગયા છે.
એથ્લેટિક્સ ગેમ્સનો થશે પ્રારંભ
ટોક્યો ઓલિમ્પિક્સના 8માં દિવસે એથ્લેટિક્સ સ્પર્ધાઓ શરૂ થશે. જેમાં પુરુષોના 3 હજાર મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સેબલ અને 400 મીટર હર્ડલ્સ માટે એમ.પી. જાબિર પ્રતિનિધિત્વ કરશે.
દીપિકા કુમારી : તીરંદાજી
તીરંદાજ દીપિકા કુમારી વર્લ્ડ ગેમ્સના સૌથી મોટા મંચ પર પ્રદર્શન આપી ચૂકી છે. પેરિસ વિશ્વકપમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તે હવે પૂરજોશમાં ઓલિમ્પિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. દીપિકા શુક્રવારે કેસિયા પેરોવા સામે રમશે. જે મહિલા સિંગલ્સમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
પી. વી. સિંધૂ : બેડમિન્ટન
ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં ભારત માટે મેડલની એકમાત્ર આશા પી.વી. સિંધૂ પર છે. શુક્રવારે બપોરે ક્વોર્ટર ફાઇનલમાં અકાને યામાગુચી સામે ટકરાશે. સિંધૂ અને યમાગુચી ઓલિમ્પિક્સમાં વિસ્ફોટક સ્વરૂપમાં છે. બંનેએ છેલ્લી ત્રણ મેચ સતત જીતી છે.
લવલીના બોરગોહેન, સિમરનજીત કૌર : બોક્સિંગ
મેરીકોમના ઓલિમ્પિક્સની બહાર ફેંકાયા બાદ મહિલા બોક્સિંગમાં ભારત તરફથી મેડલ મેળવવાની આશા વેલ્ટરવેઈટ બોક્સર લવલીના બોરોગોહેન અને લાઈટ વેલ્ટરવેઈટ બોક્સર સિમરનજીત કોર પર રહેશે. બોક્સિંગ જોડી ઓલિમ્પિક્સ મેડલથી એક જીત દૂર છે. શુક્રવારે તેઓ લાખો ભારતીયોને ખુશ કરી શકે છે.
ભારતીષ પુરૂષ ટીમ : હોકી
ભારતે ગૃપ Aની ત્રીજી મેચમાં આર્જેન્ટિનાને 3-1થી હરાવીને ક્વોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. જ્યારબાદ ભારતીય પુરુષ હોકી ટીમ ક્વોર્ટર ફાઈનલમાં એક અનુકૂળ ટાઈ મેળવવા માટે ગૃપમાં પોતાની સ્થિતિ સુધારવાનો લક્ષ્યાંક રાખશે.