- ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો 7મો દિવસ ભારત માટે એકંદરે સારો રહ્યો
- 8માં દિવસે પી. વી. સિંધુ અને અતનુ દાસ પર રહેશે નજર
- એથ્લેટિક્સમાં પણ જોવા મળશે ભારતના ખેલાડીઓ
ન્યૂઝ ડેસ્ક : હાલમાં ચાલી રહેલી ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો આવતીકાલે 30 જુલાઈએ 8મો દિવસ છે. ઓલિમ્પિક્સના 8માં દિવસે ભારત તરફથી જુદા જુદા 9 સ્પોર્ટ્સના 15 ઈવેન્ટમાં ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. જે પૈકી શૂટિંગ તેમજ તીરંદાજીમાં પદક મેળવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભારત એથ્લેટિક્સમાં પણ સારી શરૂઆત કરે તેવી આશા સેવાઈ રહી છે.
જાણો કેવો રહ્યો ભારતીય ખેલાડીઓ માટે 7મો દિવસ
ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો 7મો દિવસ ભારતીય ખેલાડીઓ માટે એકંદરે સારો રહ્યો હતો. પી. વી. સિંધુએ ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટને 21-15, 21-11થી હરાવીને ક્વોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ભારતીય હોકી ટીમે આર્જેન્ટીનાને 3-1થી હરાવીને ટોક્યો ઓલિમ્પિક્સના ક્વોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ભારતીય તીરંદાજ અતનુ દાસે 2 વખતના ઓલિમ્પિક્સ ચેમ્પિયન જિન્હોક ઓહને હરાવીને પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સિવાય સતીષ કુમારે જમૈકાના રિકાર્ડો બ્રાઉનને 4-1થી હરાવીને ક્વોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે મેરી કોમને ગત ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી ઈનગ્રિટ વેલેન્સિયાએ હરાવી દીધી છે.