નવી દિલ્હીઃ ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગાલવન ઘાટીમાં થયેલી અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા છે, ત્યારે આ અંગે દુખ વ્યક્ત કરતા પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને રેસલર બજરંગ પુનિયા સહિત અનેક રમતના દિગ્ગજોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહત્વનું છે કે, સોમવારે રાત્રે લદ્દાખની ગાલવન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા છે. આ અંગે શ્રદ્ધાજલિ આપતા સેહવાગે શહીદ કર્નલ સંતોષ બાબૂનો ફોટો શેર કર્યો હતો. સહેવાગે લખ્યું કે, જે સમયે આખું વિશ્વ ગંભીર રોગચાળોનો સામનો કરી રહ્યું છે. તેવામાં સંતોષ બાબૂએ ગાલવન ઘાટીમાં દેશ માટે બલિદાન આપ્યું છે. હું આશા રાખું છું કે, ચીની સુધરી જાય.
ભારતીય બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલે કહ્યું કે, શહીદોને સલામ..."હું ભારતીય સેનાને સલામ કરું છું. ગાલવન ખીણમાં શહીદ થયેલા ભારતીય જવાનોને હું સલામ કરું છું. આ જવાનોનો પરિવાર વિશે વિચારી દુઃથ થયું."
ભારતીય ઓપનર શિખર ધવને પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શિખરે લખ્યું કે, "આ એક બલિદાન છે, જેને દેશવાસીઓ કદી ભૂલશે નહીં. ભારતીય સેનાના અધિકારી અને સૈનિકોના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હાર્દિક સંવેદના. તમારા બહાદુરીને જય હિન્દ સાથે સલામ." ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે લખ્યું કે, અમે અમારા સૈનિકોના આ સૌથી મોટા બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ. ઇરફાન પઠાણે લખ્યું કે, સૈનિકોનું આ બલિદાન માટે હંમેશાં ઋણી રહીશું.
બહાદુર જવાનોને નમન કરી ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ લખ્યું કે, હું ભારત-ચીન સરહદ પર હિંસક અથડામણમાં શહીદ થયેલા મા ભારતીના બહાદુર પુત્રોને નમન કરું છું. 20 સૈનિકોની શહાદત દુઃખદાયક અને વ્યગ્ર છે. આ જવાનોને વંદન અને નમ્ર શ્રદ્ધાંજલિ.