નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (SAI) કોરોના વાયરસના પ્રભાવને રોકવા માટે પોતાના બધા કેન્દ્રોને આગળના આદેશ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત ઓલમ્પિક માટેની તૈયારીઓ સિવાય બધા માટે તાલીમ શિબિર પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંગળવારે એક નિવેદન જારી કરી આ અંગે માહિતી આપી હતી.
SAIએ નિવેદનમાં કહ્યું કે નેશનલ સેન્ટર ઑફ એક્સીલેન્સમા ચાલી રહેલી એકેડમી ટ્રેનિંગ સહિત બધી ટ્રેનિંગને તાત્કાલીક અસરથી આગળના આદેશ સુધી બંધ કરવામાં આવી છે. જો કે, ખેલાડીઓને કોઇપણ પ્રકારની મુસ્કેલી ના પડે તે માટે હોસ્ટેલની સુવીધા 20 માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે.
નિવેદનમાં વધુમાં કહ્યું કે, બધા નેશનલ કેમ્પને સ્થગિત કરવામાં આવ્યા છે. ફક્ત ઓલિમ્પિકની તૈયારીઓ જે શિબિરમાં ચાલુ છે તે શિબિરો જ ચાલુ રાખવામાં આવ્યા છે. તેમજ જે ખેલાડીઓને આગામી દિવસોમાં પરીક્ષા આપવાની છે તે ખેલાડીયો કેન્દ્રમાં રોકાશે. જો કે આ દરમિયાન તમામ ખેલાડીઓના સ્વાસ્થય પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેથી કોઇપણ ખેલાડીને કોરોના વાઇરસનો ચેપ લાગે નહી. સાથે જ SAIએ સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને જ્યાં સુધી હટાવવામાં ના આવે ત્યાં સુધી તેના બધા કાર્યક્રમને સ્થગિત કર્યા છે.