ટોકયોઃ ચીનના વુહાનમાં ફેલાયેલો કોરોના વાયરસ ટોક્યો ઓલિમ્પિક 2020 પર ખતરો બની શકે છે. ઓલિમ્પિક કમિટીના એક વરિષ્ઠ સભ્યએ આપેલી માહિતી મુજબ, જો મે મહિના સુધી કોરોના વાયરસ પર કાબુ નહીં મેળવાય તો ઓલિમ્પિક રમત રદ થઈ શકે છે.
કોરોના વાયરસની અસર ટોક્યો ઑલમ્પિક 2020 પર થશે. ઓલિમ્પિક કમિટીના એક સભ્યના જણાવ્યાનુસાર, જો મે મહિના સુધીમાં કોરોના વાયરસ પર કાબુ નહી મેળવાય તો ટોક્યો ઓલિમ્પિક 2020 બંધ રહેશે. ટોક્યો ઓલિમ્પિક રમતનો સમય બદલવો કે તેને સ્થગિત કરવા જેવા કોઈ પણ વિકલ્પને પંસદ કરવાને બદલે ઓલિમ્પિક રદ કરવામાં જ આવશે.
જાપાનના ટોક્યોમાં ચાલુ વર્ષે 24 જુલાઈએ ઓલિમ્પિક ખેલની શરૂઆત થનાર છે. ચીન બાદ જાપાન બીજો દેશ છે, જ્યાં કોરોનાની અસર વધારે જોવા મળે છે. જાપાનમાં અત્યાર સુધીમાં 690 લોકો કોરોનાથી પ્રભાવિત છે. જો કે, ઑલમ્પિકના આયોજકોએ હાલ તો વોલેંટિયર્સની ટ્રેનિંગ રદ કરી છે, જેનું કારણ પણ કોરોના જ છે. નોંધનીય છે કે,ઓલિમ્પિકની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ઓલિમ્પિકની ટિકિટો પણ વેચાઈ ગઈ છે. એવામાં રમત રદ થવાથી જાપાનને મોટો ઝટકો લાગી શકે છે.