લખનઉ : ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 5 મેચમાં 118 ની એવરેજથી 354 રન બનાવી ભારતની બેટિંગ લાઇન-અપનો મુખ્ય આધાર રહ્યો છે. ત્યારે ઈંગ્લેન્ડ ટીમ સામેની આગામી મેચ પહેલા નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી બોલિંગ પર હાથ અજમાવતા જોવા મળ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, બાંગ્લાદેશ સામેના વર્લ્ડ કપ મુકાબલામાં ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ઓવરને સમાપ્ત કરવા વિરાટ કોહલી આશ્ચર્યજનક રીતે સામે આવ્યો હતો. નેટ પ્રેક્ટિસ દરમિયાન માત્ર વિરાટ કોહલી જ નહીં અન્ય ઘણા બેટ્સમેન બોલિંગ કરતા જોવા મળ્યા હતા. ઓપનર શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવે પણ કેટલાક બોલ નાખ્યા હતા.
ચાલુ વર્લ્ડ કપ મેચોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા નિયમિત બોલરોનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. ઉપરાંત વિરાટ કોહલી ODI વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. જોકે તે પોતાની જાતને માત્ર તેની બેટિંગ સુધી મર્યાદિત ન રાખતા ગુરુવારના નેટ પ્રેક્ટિસ સેશનમાં તેણે તેની બોલિંગ સ્કીલને સુધારવા પર ધ્યાન આપ્યું હતું.
ઓપનર શુભમન ગિલ સામે વિરાટ કોહલી બોલિંગ કરતો હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અત્યાર સુધી ભારત 5 શાનદાર જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ છે. આ તમામ મેચમાં 1 સદી અને 3 અડધી સદી નોંધાવી વિરાટ કોહલીએ શાનદાર ભૂમિકા ભજવી છે. ઉપરાંત કોહલી આ વર્ષમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં બીજા સ્થાને છે.
વિરાટ કોહલી કરતા દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક માત્ર 53 રનથી આગળ છે. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હવે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી સચિન તેંડુલકરના 49 ODI સદીના રેકોર્ડની બરાબરીથી માત્ર એક સદી દૂર છે. ન્યુઝીલેન્ડ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલી 95 ના વ્યક્તિગત સ્કોર સાથે આ માઇલસ્ટોનથી ખૂબ જ ઓછા અંતરથી દૂર રહ્યો હતો. વિરાટ કોહલીએ તાજેતરમાં કહ્યું હતું કે, તેનો મંત્ર સતત પરફેક્શનના બદલે સુધારા તરફ આગળ વધવું છે.
વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, દરેક પ્રેક્ટિસ સેશનમાં દર વર્ષે અને દરેક સિઝનમાં દરેક મેચ સાથે દરરોજ મારી જાતને વધુ સારી બનાવવી એ જ મારી ખાસિયત રહી છે. તેથી જ મને આટલા લાંબા સમય સુધી રમવા અને પ્રદર્શન કરવામાં મદદ કરી છે. વિરાટ કોહલીના અનુસાર માનસિકતાને આકાર આપવો એ દરેક મેચમાં નવેસરથી આવવાનો માર્ગ મોકળો બનાવવાની તાકાત છે. જો સારુ પ્રદર્શન તમારું લક્ષ્ય છે, તો પછી વ્યક્તિ થોડા સમય પછી સંતુષ્ટ થઈ જશે અને પોતાની રમત પર વધુ મહેનત કરવાનું બંધ કરી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપની છઠ્ઠી મેચ રમવા બુધવારે લખનઉ પહોંચી હતી. ચાલુ ODI વર્લ્ડ કપ 2023 માં હજુ પણ અજેય હોવાથી રોહિત શર્માની આગેવાની હેઠળની 'મેન ઇન બ્લુ' ટીમ આ સંપૂર્ણ આત્મવિશ્વાસમાં આવી રહી છે. નેટ રન રેટ +1.353 અને 10 પોઈન્ટ સાથે ભારતીય ટીમ પોઈન્ટ ચાર્ટમાં ટોચ પર છે. ન્યુઝીલેન્ડ સામેની અગાઉની મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી છે. પાવરપ્લેમાં ન્યુઝીલેન્ડ ટીમને 19/2 પર અટકાવી દીધી હતી.
પરંતુ 87 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 75 રન બનાવનાર રચિન રવીન્દ્ર અને મિશેલ વચ્ચે 159 રનની ભાગીદારીએ ન્યુઝીલેન્ડ ટીમને મેચમાં પુનરાગમન કરવામાં મદદ કરી હતી. જોકે ભારતે ફરી પાછું પુનરાગમન કર્યું અને ન્યુઝીલેન્ડ ટીમને 50 ઓવરમાં 273 રનમાં આઉટ કરી દીધી હતી.
જોકે ન્યુઝીલેન્ડ ટીમે આપેલા 274 રનના લક્ષ્યના ચેઝમાં ભારત તરફથી 40 બોલમાં 4 બાઉન્ડ્રી અને ચાર સિક્સર સાથે 46 રન બનાવી કેપ્ટન રોહિત શર્મા અને 31 બોલમાં 5 ફોર સાથે 26 રન બનાવી શુભમન ગિલ વચ્ચે 71 રનની શરૂઆતી ભાગીદારી સાથે સારી શરૂઆત કરી હતી. ભારતે શ્રેયસ અય્યર (33), KL રાહુલ (27) અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી હતી. પરંતુ 104 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 95* રન વિરાટ કોહલી અને 44 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 39* રન બનાવી રવિન્દ્ર જાડેજાએ ભારતને 2 ઓવર બાકી રહેતા 4 વિકેટે જીત અપાવી હતી.