સ્પોર્ટ્સ ડેસ્કઃ ગુજરાત ટાઈટન્સ ટીમમાંથી દરેક ખેલાડી જોરદાર છે પણ આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે જે ખેલાડીની ચર્ચા થઈ રહી છે એમાં મોહિત શર્મા અને સાઈ સુદર્શનનો સમાવેશ થાય છે. IPL2023 ટુર્નામેન્ટ ચેન્નઈ સુપરકિંગ્સે જીતીને પાંચમી વખત ટ્રોફી પર પોતાનુ નામ લખી નાખ્યું છે. દસમી વખત ફાઈનલમાં પહોંચનારી ચેન્નઈ સુપરકિંગ્સના તમામ બેટ્સમેને જોરદાર પર્ફોમ કર્યું છે. કુત સાત એવા ખેલાડીઓ છે જેનું પર્ફોમન્સ સતત ચર્ચામાં રહ્યું છે.
રવિન્દ્ર જાડેજાઃ પાવરપ્લેમાં ચેન્નઈની ટીમે કુલ 62 રન કર્યા હતા. મોટા સ્કોર બાજુ આગળ વધતી ટીમમાં જાડેજા જોરદાર પર્ફોમન્સ કર્યું છે. ખાસ કરીને શુભમન ગીલની વિકેટ ફાઈનલ મેચમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ માની શકાય છે. એ પછી ગુજરાતની ટીમની રણનીતિ ઢીલી થઈ ગઈ. એક સમય એવો પણ આવ્યો જ્યારે ચેન્નઈને 13 બોલમાં 22 રન કરવાના હતા. એ પછી શરૂઆતના ચાર બોલમાં માત્ર પાંચ રન થયા હતા. પણ અંતિમ બે બોલમાં ચેન્નઈને જીતવા માટે 10 રન જોઈતા હતા. એ સમયે મોકો જોઈને જાડેજાએ પહેલા એક સિક્સ અને પછી એક ફોર મારીને ટીમને જીતાડી દીધી. આમ તે ધોનીની માફક બેસ્ટ ફિનિશર રહ્યો છે.
ડેવોન કોનવેઃ આ મેચમાં જ્યારે ડેવોન કોનવે પહેલો બોલ રમ્યો ત્યારે ચેન્નાઈને જીતવા માટે 84 બોલમાં 161 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં કોનવેએ પોતાના બીજા બોલ પર એક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો અને એ પછી પણ તે જ લયમાં રમ્યો. તેણે 25 બોલમાં ચાર ફોર અને બે સિક્સની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી. સાતમી ઓવરમાં આઉટ થતા પહેલા તે ટીમના સ્કોર 78 રન સુધી પહોંચાડી ચૂક્યો હતો. અહીંથી બાકીના બેટ્સમેનો માટે રસ્તો સરળ બની ગયો હતો. હકીકતમાં આ ખેલાડીએ આગળના બેટ્સમેન માટે એક મોટું પ્લેટફોર્મ બનાવી દીધું. સ્કોરનું કવરિંગ કરીને એક મોટી રણનીતિ પર કામ કર્યું.
અંબાતી રાયડુંઃ ચેન્નાઈનો સ્કોર 117/3 હતો. જ્યારે 37 વર્ષીય રાયડુ તેની છેલ્લી આઈપીએલ મેચ રમીને બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. જીતવા માટે ટીમને 31 બોલમાં 54 રનની જરૂર હતી. આક્રમક બેટિંગ કરી રહેલો રહાણે આઉટ થઈ ગયો હતો. બીજા છેડે ઊભેલો દુબે એટલો ફોર્મમાં ન હતો. કારણ કે બોલ ઓછા અને રન વધારે કરવાના હતા. દુબેએ 11 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો હતો. પ્રથમ બોલમાં એક રન લેનાર રાયડુએ પછીના છ બોલમાં બે સિક્સ અને એક ફોરની મદદથી 18 રન બનાવ્યા હતા. તેણે 8 બોલમાં 19 રન બનાવ્યા હતા. જ્યારે તે આઉટ થયો ત્યારે ચેન્નાઈનો સ્કોર 149 હતો. જીતવા માટે 14 બોલમાં 22 રનની જરૂર હતી.
અજિંક્ય રહાણેઃ ટેસ્ટ સ્પેશિયાલિસ્ટનું બિરુદ મેળવનાર અજિંક્ય રહાણેએ આ IPLમાં બતાવ્યું કે, તે T20માં કેવો શાનદાર બેટ્સમેન છે. તે આ સિઝનમાં શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ ધરાવતા ખેલાડીઓમાં સામેલ હતો. ફાઈનલ મેચમાં તેણે ચોથા નંબર પર શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ચેન્નાઈનો સ્કોર 78/2 હતો. ઋતુરાજ અને કોનવે 74 રનની ભાગીદારી નોંધાવ્યા બાદ એક જ ઓવરમાં આઉટ થયા હતા. બીજા છેડે ઉભેલા શિવમ દુબેએ માત્ર એક જ બોલ રમ્યો હતો. આવી સ્થિતિમાં રહાણેએ તેના બીજા બોલમાં સિક્સર ફટકારીને સ્પષ્ટ કરી દીધું કે તે ફાઇનલમાં પણ ધમાલ મચાવશે. તેણે 13 બોલમાં બે ફોર અને બે સિક્સની મદદથી 27 રન બનાવ્યા હતા. જ્યારે તે આઉટ થયો ત્યારે ચેન્નાઈનો સ્કોર 117 રન હતો.
ઈમ્પેક્ટ પ્લેયરઃ IPL 2022માં માત્ર 20 લાખમાં વેચાયેલા સુદર્શનને આખી સિઝનમાં બેટિંગ કરવાની વધુ તક મળી ન હતી. આ મેચમાં પણ તે ઈમ્પેક્ટ પ્લેયરની જગ્યાએ રમી રહ્યો હતો. કારણ કે બીજા દાવમાં તેની જગ્યાએ ટીમમાં સામેલ જોશ લિટલ ગુજરાતની ટીમનો નિયમિત સભ્ય હતો. ગિલના આઉટ થયા બાદ સુદર્શન બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે પ્રથમ દાવ સંભાળ્યો હતો. તેણે રિદ્ધિમાન સાહા સાથે બીજી વિકેટ માટે 64 રનની પાર્ટનરશીપ કરી હતી. પ્રથમ 12 બોલમાં માત્ર 10 રન બનાવનાર સુદર્શને સેટ થયા બાદ ગિયર્સ બદલ્યા હતા. તેણે 33 બોલમાં પોતાની હાફસેન્ચુરી પૂરી કરી અને પછીના 13 બોલમાં 44 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં આઠ ફોર અને છ સિક્સ ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ગુજરાતની ટીમ 214 રન બનાવી શકી હતી.
બોલિંગમાં નૂરે બદલ્યા સુરઃ ફાઈનલ મેચમાં નૂર બોલિંગ કરવા આવ્યો ત્યાં સુધીમાં ચેન્નાઈની ટીમે ચાર ઓવરમાં 52 રન બનાવી લીધા હતા. તેણે તેની પ્રથમ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને બેટ્સમેનો પર દબાણ બનાવ્યું. તેની બીજી ઓવરની શરૂઆત પહેલા ચેન્નાઈનો સ્કોર 72/0 હતો અને ઓવરના અંત સુધીમાં સ્કોર 78/2 હતો. નૂરે ચેન્નાઈના સેટ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે બંનેને આઉટ કરીને મેચ પર ગુજરાતની પકડ મજબૂત કરી હતી. તેની છેલ્લી ઓવરમાં પણ તેણે માત્ર પાંચ રન આપ્યા હતા. આ મેચમાં ચેન્નાઈએ 15 ઓવરમાં 171 રન બનાવ્યા હતા, પરંતુ નૂરે ત્રણ ઓવરમાં માત્ર 17 રન બનાવ્યા હતા. બે સેટ બેટ્સમેનોને પણ આઉટ કર્યા હતા. આ મેચમાં ગુજરાતના પાંચ બોલરોએ 72 બોલમાં 154 રન લૂંટી લીધા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. તે જ સમયે, નૂરે 18 બોલમાં માત્ર 17 રન આપ્યા અને બે વિકેટ લીધી.
મોહિતની મોટી વિકેટઃ ગત સિઝનમાં ગુજરાતના નેટ બોલર રહેલા મોહિત શર્માએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં પણ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ફાઈનલ મેચમાં ચેન્નાઈ 112/2 પર હતી જ્યારે કેપ્ટન હાર્દિકે મોહિતને બોલ સોંપ્યો હતો. રહાણે તોફાની બેટિંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં મોહિતે ઓવરના પાંચમા બોલ પર રહાણેને આઉટ કર્યો અને માત્ર છ રન આપ્યા. તેની બીજી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં 16 રન આપ્યા બાદ તેણે પછીના બે બોલમાં રાયડુ અને ધોનીને પેવેલિયનમાં મોકલી દીધા. હવે શિવમ દુબે એક છેડે ઊભો હતો, જેના બેટ પર બોલ બરાબર આવી રહ્યો ન હતો. છેલ્લી ઓવરમાં 13 રનનો બચાવ કરતા મોહિતે ચાર બોલમાં માત્ર ત્રણ રન આપ્યા અને ગુજરાતને જીતની ઉંબરે લઈ ગયો. પરંતુ જાડેજાએ છેલ્લા બે બોલમાં 10 રન બનાવીને ગુજરાત પાસેથી મેચ છીનવી લીધી અને મોહિતની મહેનત પર પાણી ફરી વળ્યું.