- IPL 2021માં કુલ 292 ખેલાડીઓ હરાજીમાં સામેલ થશે
- IPL સીઝનમાં કુલ 1114 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી
- જેમાંથી BCCIએ 292 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા
મુંબઈ: BCCIએ ગુરૂવારના રોજ એ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યુ છે, જેના પર IPL 2021માં હરાજી દરમિયાન બોલી લગાવવામાં આવશે. IPL સીઝનમાં કુલ 1114 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી.જોકે BCCIએ 292 ખેલાડીઓને જ શોર્ટલિસ્ટ કર્યા છે. હવે આ ખેલાડીઓની યાદી 8 ફ્રેન્ચાઇઝીમાં જશે અને તે પછી આખરી યાદી જાહેર કરવામાં આવશે.
2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે આ ખેલાડીઓ છે સામેલ
2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં 2 ભારતીય ખેલાડી હરભજન સિંહ અને કેદાર જાધવ છે, તો આ સૂચીમાં કુલ 8 વિદેશી ખેલાડી છે. જેમાં ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોઇન અલી, સૈમ બિલિંગ્સ, લિયામ પ્લોકેટ, જેસન રોય અને માર્ક વુડ જેવા નામ સામેલ છે.
1.5 કરોડની બેઝ પ્રાઈઝ સાથે આ ખેલાડીઓ છે સામેલ
1.5 કરોડની બેઝ પ્રાઈઝમાં 12 ખેલાડી છે, તો 11 ખેલાડી 1 કરોડની બેઝ પ્રાઈઝમાં છે. જેમાં 2 ભારતીય ખેલાડી હનુમા વિહારી અને ઉમેશ યાદવ છે.
ચેન્નઈમાં યોજાશે હરાજી
ચેન્નઈમાં યોજાનારી આ ખેલાડીની હરાજીમાં કુલ 164 ભારતીય ખેલાડીઓ, 125 વિદેશી ખેલાડીઓ અને એસોસિએટ નેશન્સના 3 ખેલાડીઓ સામેલ થશે. હરાજી 18 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે શરૂ થશે.
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ હરાજીમાં સૌથી વધુ પૈસા ખર્ચ કરી શકે છે
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આ હરાજીમાં સૌથી વધુ પૈસા ખર્ચ કરી શકે છે, કારણ કે, તેમની પાસે પર્સમાં 53.2 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે. ત્યારબાદ બીજા અને ત્રીજા નંબર પર RCB અને રાજસ્થાન રોયલ્સ આવે છે. રોયલ ચેલેન્જર્સ પાસે હાલમાં રૂપિયા 35.7 કરોડ છે જ્યારે રાજસ્થાન પાસે 34.85 કરોડ રૂપિયા છે.