ડબલિનઃ ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં 3 ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી હતી. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ દ્વારા ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
આયર્લેન્ડની નબળી શરુઆતઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમે ખરાબ શરૂઆત થઈ હતી. આયર્લેન્ડની ટીમે 31 રનના સ્કોર પર પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી કર્ટિસ કેમ્ફર (39) અને બેરી મેકકાર્થીની અણનમ 51 રનની ઇનિંગની મદદથી આયર્લેન્ડે 7 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. મેકકાર્થીએ તેની પ્રથમ T20I અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, પ્રખ્યાત કૃષ્ણા અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી, જ્યારે અર્શદીપ સિંહને પણ 1 સફળતા મળી હતી.
બુમરાહની જોરદાર વાપસીઃ પીઠની ઈજાને કારણે 11 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા જસપ્રિત બુમરાહે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી. પોતાની પ્રથમ ઓવરના બીજા બોલ પર તેણે 4 રનના સ્કોર પર એન્ડ્રુ બલબિર્નીને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ 5માં બોલ પર તેણે લોર્કન ટકર (0)ને સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ડકવર્થ લુઈસ નિયમ દ્વારા પરિણામઃ ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવ્યો હતો. આ વરસાદ બાદ રમત ફરી શરૂ થઈ શકી નથી. જો કે ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવી હતી.
બુમરાહને પ્લેયર ઓફ ધ મેચઃ 327 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર ભારતના કેપ્ટન જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, બુમરાહે મેચની પહેલી જ ઓવરમાં આયર્લેન્ડને બે ઝટકા આપીને આયર્લેન્ડની ઇનિંગ્સની કમર તોડી નાખી હતી. બુમરાહે મેચમાં 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ