અમદાવાદ: ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે અને તેઓ મેચમાં પણ તેમની જીતનો સિલસિલો યથાવત રાખવાની કોશિશ કરશે. બીજી તરફ હૈદરાબાદ ખાતેની મેચમાં શ્રીલંકા સામેની મેચમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પાકિસ્તાની ટીમનો આત્મવિશ્વાસ પણ હાઈ છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ કહ્યું કે, ભારતના પાંચ પ્લેયરને આઉટ કરીશ પછી ફોટો પડાવીશ.
પાકિસ્તાની ટીમે કરી પ્રેક્ટિસ: બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. આજે સાંજે 6 થી 9 વાગ્યા સુધી પાકિસ્તાની ટીમે પ્રેક્ટિસ કરી હતી. જોકે ભારતની ટીમે આજે પ્રેક્ટિસ કરી ન હતી. ભારતના કેપ્ટન રોહિત શર્મા લાસ્ટ મેચમાં ધમાકેદાર સેન્ચ્યુરી ફટકારી હતી. બીજી તરફ પાકિસ્તાન ટીમના કપ્તાન બાબર આઝમ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે.
ભારતનો દબદબો: બંને ટીમ વચ્ચે થયેલા અત્યાર સુધીના મુકાબલામાં ભારતનો દબદબો રહ્યો છે. ભારત અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અજેય રહી છે. છેલ્લે બંને ટીમ જયારે સામ-સામે ટકરાઈ હતી ત્યારે ભારત 89 રનથી જીત્યું હતું. તે સમયે રોહિત શર્માએ રમતમાં 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સઘન સુરક્ષા વ્યવસ્થા : પાકિસ્તાન બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. જ્યાં એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ખેલાડીઓ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાના ભાગરૂપે 1 ડીસીપી, 1 એસીપી, 4 પીઆઈ , 5 પીએસઆઈ અને 60થી વધુ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એરપોર્ટ પર કોઈ અવ્યવસ્થા ન ફેલાય તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરમ્યાન એરપોર્ટ ઓથોરિટી સહિત bdds ટીમ દ્વારા પણ સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી સાથે હાજર પોલીસ ટીમ દ્વારા પણ પ્રવાસીઓ સહિત ખેલાડીઓનું રૂટિન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.