નર્મદા: આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી એ ક્રિકેટ જગતની શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને નર્મદાના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વ માટે ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, જ્યાં આ ટ્રોફીને પ્રદર્શનમાં રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે, જેને જોવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્લ્ડ કપની ટ્રોફી: ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની ઐતિહાસિક મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીએ 18 દેશોના પ્રખ્યાત સ્થળોની યાત્રા કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ક્રિકેટ પ્રેમીઓ અને મુલાકાતીઓને ટ્રોફીને નજીકથી જોવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાનો સંદેશ આપે છે.
મેટ્રોના સમયમાં ફેરફાર: અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. સ્ટેડિયમમાં પહોંચવા માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેચના દિવસે રાતના એક વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે. જેના માટે ફિક્સ 50 રૂપિયાની ટિકિટ લેવી પડશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર આવવાં-જવા માટે જ ગેટ ખોલવામાં આવશે. માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર મેચના દિવસે રાતે 1 વાગ્યે છેલ્લી ટ્રેન હશે ત્યાં સુધી ચાલુ રહેશે.
ICC વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે: ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં 46 દિવસ માટે ODI વર્લ્ડ કપની મેચો શરૂ થશે. જેમાં 48 મેચો રમાશે. પહેલી મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.