નવી દિલ્હીઃ ICC એ લેટેસ્ટ T20 રેન્કિંગ અપડેટ જાહેર કર્યું છે. આ અપડેટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 શ્રેણીની ત્રીજી મેચ અને દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી ODI શ્રેણીની ત્રીજી મેચનો સમાવેશ થાય છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ICC રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિકે ટી20 કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામેના શાનદાર પ્રદર્શનને કારણે હાર્દિકે ટી20માં ઓલરાઉન્ડરની રેન્કિંગમાં બીજું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, હાર્દિક સિવાય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને બેટ્સમેન શુભમન ગિલને પણ ફાયદો થયો છે.
આ પણ વાંચો:Border Gavaskar Trophy: ઘરઆંગણે ભારતનો દબદબો, જાણો ઓસ્ટ્રેલિયાએ કેટલી મેચ જીતી
સૂર્યકુમાર યાદવ ટોચ પર યથાવત: બેટ્સમેનોની T20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન શુભમન ગિલને પણ ફાયદો થયો છે. તે પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 30મા સ્થાને પહોંચી ગયો છે. ગિલે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદમાં રમાયેલી T20માં 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. T20 ફોર્મેટમાં ગિલનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ સાથે જ હાર્દિક પંડ્યા 50માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ 25માં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હજુ પણ ICC T20 રેન્કિંગમાં ટોચ પર યથાવત છે.
આ પણ વાંચો:MS Dhoni video: ધોની પ્રેક્ટિસ માટે બાઇક દ્વારા રાંચી સ્ટેડિયમ પહોંચ્યો હતો
અર્શદીપ 13માં સ્થાને પહોંચી ગયો છે: આ સાથે જ અર્શદીપ સિંહને ICC T20 બોલિંગ રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. અર્શદીપ 13માં સ્થાને પહોંચી ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 16 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ બોલિંગમાં હાર્દિક પંડ્યા 46માં સ્થાને પહોંચી ગયો છે. હાર્દિક પણ ઓલરાઉન્ડર રેન્કિંગમાં 250 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 252 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આ સાથે જ અફઘાનિસ્તાન ટીમનો મોહમ્મદ નબી 233 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર યથાવત છે.