આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાશે. ભારત અત્યાર સુધી રમાયેલી 4 માંથી 3 મેચમાં ઘમાકેદાર જીત મેળવી ચૂક્યું છે.જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાંથી લગભગ બહાર ફેંકાઈ જ ગયું છે. આજે એક જીત બાદ ભારત પોઈન્ટ ટેબલ પર બીજા નંબર પર પહોંચી જશે.
અનોખો રેકોર્ડ
ટીમ ઈંડિયા માટે એક મોટી તક છે રેકોર્ડ સર્જવાની. ટીમ ઈન્ડિયા આ મેચ જીતી વર્લ્ડ કપમાં 50મી જીત પૂર્ણ કરશે. અત્યાર સુધીમાં વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત 78 માંથી 49 મેચ જીતી છે. અત્યાર સુધી માત્ર 2 ટીમ જ આ મોટી સિદ્ધી મેળવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 67 અને ન્યુઝીલેન્ડે 52 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યું નથી જ્યારે અફઘાન એક પણ મેચ જીત્યું નથી.
બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે. ગત સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપમાં અફઘાનિસ્તાને શાનદાર બોલિંગ કરતા ભારત સામેની મેચ ટાઈ થઈ હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ 2014 માં થયો હતો. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે માત આપી હતી. ધવન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બપહાર થઈ ચૂક્યો છે. તેની સિવાય કોહલી-લોકેશ રાહુલ અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી છે.
બોલિંગમાં બુમરાહ, પંડ્યા, ચહલ અને કુલદીપે સારું પ્રદર્શન કર્યું છે. ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થતાં તેને સ્થાને મોહમ્મદ શમી રમશે. જ્યારે વિજય શંકર પણ ઈજાગ્રસ્ત છે. જો તે મેચ પહેલા ફિટ નહીં થાય તો રિષભ પંત કે કાર્તિકને સ્થાન આપવામાં આવી શકે છે.