મોહાલીમાં ભારત અને પાકિસ્તાનની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પાકિસ્તાની ફેન "ચાચા શિકાગો"ના નામથી ખ્યાતિ ધરાવતા મહોમ્મદ બશીર માટે મહેન્દ્રસિંહ ધોનીએ ટિકીટની વ્યવસ્થા કરી આપી હતી. જો કે, આ કામ તેઓ છેલ્લા 8 વર્ષથી કરતા આવ્યા છે. તેઓ દરેક વખતે ભારત પાકિસ્તાનની મેચની ચાચા શિકાગો માટેની ટિકીટની વ્યવસ્થા કરી આપે છે. જે અંગેની માહિતી 63 વર્ષિય મહોમ્મદ બશીરે પોતે જ આપી હતી. તેઓએ માન્ચેસ્ટર પહોંચીને જણાવ્યું હતું કે, હું અહિયા કાલે જ આવ્યો છું, અને મે જોયુ કે અહીંયા લોકો મેચ જોવા માટે 800થી 900 પાઉન્ડ પણ આપવા માટે તૈયાર છે. આટલામાં તો શિકાગોથી પાછા આવી શકાય તેમ છે. હું ધોનીનો આભાર વ્યક્ત કરવા ઇચ્છુ છું, જેના કારણે મને ટિકેટ લેવામાં મને કોઇ તકલીફ નથી પડી.
તમને જણાવી દઇએ કે, મહોમ્મદ બશીર શિકાગોમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે. તે અમેરિકન પાસપોર્ટ ધારક છે. વર્ષ 2011થી જ માહી અને ચાચા શિકાગો એક ખાસ બોન્ડીંગ ધરાવે છે. 2011માં ધોનીએ ભારત અને પાકિસ્તાનની ચાલુ મેચમાં ચાચા શિકાગોને મેચની ટિકીટ અપાવી હતી. તે બાદથી દર વખતે ધોની ચાચા શિકાગો માટે ટિકીટની વ્યવસ્થા કરાવતા આવ્યા છે. આ અંગે ચાચા શિકાગોએ વધુમાં જણાવ્યું હતું કે, "વિચારો જે ટિકીટ માટે લોકો ખાસ્સા રૂપિયા ખર્ચી નાખતા હોય છે, તે ટિકીટ મને તદ્દન મફતમાં મળી જાય છે. હું માહી માટે એક ભેટ લાવ્યો છું, અને આશા રાખું છું કે આજે એ ભેટ હું તેમને આપી શકું, હું તેમને ફોન નથી કરતો તેઓ ખુબ વ્યસ્ત હોય છે. હું તેમને મેસેજ કરૂ છું. અહીંયા આવ્યા પહેલા જ ધોનીએ મને ટિકીટ આપવાની વાત કરી હતી. તેઓ ખૂબ સારા વ્યક્તિ છે. હું એવું વિચારી પણ ન શકું કે મારી માટે કોઇ એવું પણ કરી શકે છે"
આ ચાચા શિકાગો ભારત સાથે જોડાયેલા છે, તેમની પત્ની હૈદરાબાદમાં જ રહે છે, જેથી તેઓ અવાર નવાર ભારતની મુલાકાતે આવતા હોય છે. ચાચા શિકાગોએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, " ભારતનો મારા પ્રત્યેનો પ્રેમ જોઇને જ મને અહીંયા મેચ જોવાનું મન થાય છે. બાળકો મને જમવાનું આપતા હોય છે. તો ચા વાળાઓ મારી પાસેથી પૈસા પણ નથી લેતા, અને લોકો મારી સાથે ટીમની બસોની રાહ જોતા હોય છે, અમારા કેપ્ટન શાહિદ આફ્રિદીએ સાચું કહ્યું હતું કે, ભારતમાં લોકોનો જેટલો પ્રેમ મળે છે, તેટલો પ્રેમ તો પાકિસ્તાનમાં પણ નથી મળતો."