ICCની નવી રેન્કિંગમાં વિરાટ કોહલી 928 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે આવ્યો છે. બાંગ્લાદેશ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં સારા પ્રદર્શનને કારણે કોહલીની રેન્કિંગમાં સુધારો થયો છે.
ટેસ્ટ બેટ્સમેનની હાલની રેન્કિંગમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ છોડી રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ શ્રેણીમાં સારા પ્રદર્શનને કારણે રેન્કિંગમાં સુધારો કર્યો છે.
હાલની રેન્કિંગમાં કેપ્ટન વિરાટ કોહલી 928 પોઈન્ટ સાથે યાદીમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટીવ સ્મિથ 923 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. એડિલેડ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનને કારણે સ્ટીવ સ્મિથને પ્રથમ સ્થાન ગુમાવવું પડ્યું છે. સ્મીથે એડિલેડ ટેસ્ટમાં 36 રન બનાવ્યા હતા, જ્યારે બ્રિસ્બેન ટેસ્ટમાં ફક્ત 4 રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ઓપનર બેસ્ટમેન ડેવિડ વોર્નરને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વોર્નરે 489 રન બનાવ્યા હતા અને 12 ક્રમની છલાંગ સાથે રેન્કિંગમાં પાંચમા ક્રમે પહોંચી ગયો છે.
ભારતીય ખેલાડી અજિંક્ય રહાણેને ટેસ્ટ રેન્કિંગમાં એક ક્રમનું નુકસાન થયું છે. અને તે છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. જ્યારે ચેતેશ્વર પુજારાએ તેનું સ્થાન જાળવી રાખ્યું છે, અને તે ચોથા સ્થાને યથાવત છે.