નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના વાઈરસ પછીની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ વર્ષના અંતે ભારત માટે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવી કેટલું મહત્વપૂર્ણ છે. હવે બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે મોટી રાહત આપતા કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા ગયા પછી બે સપ્તાહનું ક્વોરનટાઈન કોઈ મોટી સમસ્યા રહેશે નહી.
અરુણ ધૂમલે કહ્યું કે, "આમાં કોઈ વિકલ્પ નથી. દરેકને તે કરવાનું છે. તમારે ક્રિકેટ શરૂ કરવું છે, બે અઠવાડિયા મોટી વાત નથી. જ્યારે તમે આટલા લાંબા સમય સુધી ક્વોરેન્ટાઇનમાં રહો જ છો તો, પછી તમે બીજા દેશમાં જાવ છો અને તમારે બે અઠવાડિયા સુધી લોકડાઉનમાં રહેવું પડે એ કોઈપણ ખેલાડી માટે યોગ્ય છે. લોકડાઉન પછી શું નિયમો હશે તે જોવું રહ્યું."
શિડ્યુલ મુજબ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતે ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ T-20 મેચ રમવાની છે. અરૂણ ધૂમલે કહ્યું કે, તે શક્ય છે, પરંતુ વધુ મર્યાદિત ઓવર ક્રિકેટ રમવાથી વધુ આવક થશે.
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, "પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચર્ચા લોકડાઉન પહેલાં કરવામાં આવી હતી. પહેલા આપણે જોવાનું છે કે ક્રિકેટ ફરી ક્યારે શરૂ થાય છે. જો પાંચ ટેસ્ટ યોજવાની કોઈ જગ્યા થઈ શકે તો બોર્ડ તેના પર વિચાર કરી શકે. અથવા બે વધારાની વન-ડે અથવા બે વધારાની ટી -20 મેચ પર વિચારણા થઈ શકે છે. જો કે, ટેસ્ટ મેચ કરતા વનડે અને ટી 20 થી વધુ આવક થવાની સંભાવના રહેશે."
તેમણે ઉમેર્યું કે, "જો ખાધ ઘટાડવાની વાત કરવામાં આવી રહી છે, તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વધારાની ટેસ્ટની જગ્યાએ વનડે અથવા ટી 20 ની સંખ્યામાં વધારો કરવા માંગશે. કોરોના વાઈરસને કારણે તમામ બોર્ડને નુકસાન ભોગવવું પડ્યું છે."
ટી 20 વર્લ્ડ કપ અંગે અરુણ ધૂમલે કહ્યું, "ખેલાડીઓ ઘણા લાંબા સમયથી ક્રિકેટની બહાર છે. શું તમે તાલીમ લીધા વિના સીધા જ જવા માંગો છો અને તે પણ વર્લ્ડ કપમાં? આ એક અવો નિર્ણય છે જે દરેક બોર્ડને લેવો પડશે, પરંતુ તે ખૂબ મુશ્કેલ પણ છે. "