નવી દિલ્હી: કોરોના વાઇરસ રોગચાળાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આઈપીએલની આ સીઝન 29 માર્ચે શરૂ થવાની હતી પરંતુ તે શરુ થઈ શકી નથી.
એવામાં બીસીસીઆઈના એક સ્ત્રોત દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, દેશની બહાર આયોજન કરવા માટે BCCI વિચાર કરી રહ્યું છે. જો કે, દેશની બહાર ટૂર્નામેન્ટનું આયોજન કરવું તે બોર્ડનો અંતિમ વિકલ્પ હશે.
એક અહેવાલ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, આઈપીએલ દેશની બહાર કરવી એ બોર્ડનો અંતિમ વિકલ્પ હશે. આ પહેલા, અમે દેશમાં તેના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, આઈપીએલના સંગઠન અંગે કોઈપણ નિર્ણય 10 જૂને આઈસીસીની બેઠક યોજાશે ત્યારબાદ જ લેવામાં આવશે. આ બેઠક આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપના ભવિષ્યનો પણ નિર્ણય કરશે.
આ પહેલા 2009માં આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં અને 2014માં યુએઈમાં યોજવામાં આવી હતી. જો દેશમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ નહીં આવે તે બીસીસીઆઇ આ વિક્લ્પ અંગે ચર્ચા કરી શકે છે.