પાકિસ્તાન: ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ભારતીય ટીમના ઝડપી બોલરોને કોચિંગ આપવા માટે હું તૈયાર છું. સોશિયલ નેટવર્કિંગ એપમાં આપેલા ઈન્ટરવ્યુમાં અખ્તરે કહ્યું કે, તે પોતાનો અનુભવ શેર કરવા માટે હંમેશા તૈયાર છે. જો તેને ભારતીય બોલરોને કોચિંગ આપવાની તક મળે તો મને વધુ ખુશી થશે.
શોએબને પૂછવામાં આવ્યું કે શું તે ભારતીય બોલરોને કોચિંગ આપવા તૈયાર છે. આ સવાલનો જવાબ આપતા અખ્તરે કહ્યું કે, મારું કામ માહિતી શેર કરવાનું છે. હું જે શીખ્યો છું તે પવિત્ર છે અને હું તેને આગળ વધારીશ. હું વર્તમાન બોલરો કરતા વધારે આક્રમક, ઝડપી અને વધુ ચપળ બોલરો બનાવી શકું છું.
આ અગાઉ અખ્તરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોરોના વાઈરસ માટે ભંડોળ એકત્ર કરવા માટે ત્રણ મેચની શ્રેણીની દરખાસ્ત કરી હતી. જેને ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ નકારી હતી અને કહ્યું હતું કે, આ સમય ક્રિકેટ રમવાનો નથી.
જો કે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ અખ્તરને ટેકો આપ્યો હતો. આફ્રિદીએ કહ્યું હતું કે, શોએબ અખ્તર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચના સુચનમાં મને કંઈપણ ખોટું દેખાતું નથી.
આફ્રિદીએ કપિલ દેવે આપેલા પ્રતિભાવ અંગે વાત કરતા કહ્યું કે, કપિલ દેવના પ્રતિભાવથી મને આશ્ચર્ય થયું. મને તેમની પાસેથી વધુ સારા પ્રતિસાદની અપેક્ષા છે. હું માનું છું કે, કટોકટીના સમયે આ પ્રકારની વાતો ન કરવી જોઈએ.