નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC) ના ક્રિકેટ સમિતિના અધ્યક્ષ અનિલ કુંબલેએ કહ્યું કે બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ એક વચગાળાનું પગલું છે. એકવાર કોવિડ-19 રોગચાળાને લગતી પરિસ્થિતિ અંકુશમાં આવશે ત્યારબાદ ફરી બધુ સામન્ય થઇ જશે.
કોરોનાના સંક્રમણને ઓછું કરવા માટે કુંબલેની આગેવાની વાળી ICCની કમિટીએ લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. ICCએ શુક્રવારે ક્રિકેટ ફરી શરૂ કરવા માટે તેની માર્ગદર્શિકામાં પણ લાળ પર પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યું હતું.
કુંબલેએ એક ક્રિકેટ શોમાં કહ્યું કે આ માત્ર એક વચગાળાનો ઉપાય છે અને અમને આશા છે કે થોડા મહિનાઓ કે એક વર્ષમાં બધુ પહેલાની જેમ સામાન્ય થઇ જશે.
લાળ પરના પ્રતિબંધને લઇ બોલરો તરફથી મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે, બોલરોનુ કહેવુ છે કે આનાથી સ્વિંગ પર ચોક્કસપણે અસર થશે, પરંતુ મોટાભાગનાઓએ તેના ઉપયોગથી થતા સ્વાસ્થ્યના જોખમોને સ્વીકાર્યો છે.
એવી પણ ચર્ચા છે કે શું બોલને ચમકાવવા માટે ICCએ મીણ જેવા તત્વોના ઉપયોગને મંજૂરી આપવી જોઇએ કે નહીં.
કુંબલેએ કહ્યું કે બાહ્ય પદાર્થોના ઉપયોગ અંગે ચર્ચા થઇ હતી, કુંબલેએ આ અટકળો પર જણાવ્યું હતું કે જો તમે રમતના ઇતિહાસ પર નજર નાખો, તો સમજાશે કે અમે ખૂબ જ ટીકાત્મક રહી ચૂક્યા છીએ અને બાહ્ય પદાર્થોને રમતમાં આવતા અટકાવવા પર અમે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.