રાજકોટઃ રણજી ટ્રોફીની ફાઈનલમાં બંગાળ સામે સૌરાષ્ટ્રએ 8 વિકેટે 384 રન કર્યા છે. પ્રથમ દિવસના સ્કોરમાં સૌરાષ્ટ્રની ટીમે આજે 3 વિકેટ ગુમાવી વધુ 178 રન ઉમેર્યા હતા. અર્પિત વસાવડાએ સતત બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. આ તેની ચાલુ સીઝનની ચોથી સદી છે. ચેતેશ્વર પુજારાએ 66 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ 142 રનની ભાગીદારી કરી હતી.
સૌરાષ્ટ્રએ પહેલા દિવસે 206/5થી રમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ એકમાત્ર નોટઆઉટ ખેલાડી અર્પિતે 29 રન બનાવીને આગળ રમવાનું ચાલુ રાખ્યુ હતું. તેની સાથે બેટિંગ કરવા માટે અનુભવી બેસ્ટમેન ચેતેશ્વર પુજારા મેદાનમાં ઉતર્યા હતાં. પુજારાએ 66 રન બનાવ્યા હતાં. તેમણે પોતાની ઈનિંગની શરૂઆત 5 રનથી કરી હતી. તેઓએ સાથે મળીને 142 રન બનાવ્યા હતાં. આ દરમિયાન અર્પિતે શતક અને પૂજારાએ અર્ધશતક ફટકારી હતી. અર્પિતે 287 બોલ પર 11 ચોગ્ગા અને પૂજારાએ પ્રથમ શ્રેણીમાં 60મી અડધી સદી ફટકારી હતી. પુજારાએ 237 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતાં.