પોરબંદર: શહેરના નીરજ ઓડદરા ગત ઘણા સમયથી સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ તરીકે રહ્યા હતા, પરંતુ હવે રણજી ટ્રોફી 2019-20માં સફળતા બાદ ટીમના કોચ કરસન ઘાવરીએ નિવૃત્તિ લેવાને નિર્ણય લીધો છે. જેથી સૌરાષ્ટ્ર ટીમના કોચનું પદ નીરજ ઓડેદરાને સોંપવામાં આવ્યું છે, જે પોરબંદર સહિત સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે.
પોરબંદરમાં બાળપણથી જ ક્રિકેટના શોખીન અને પરિવારમાં પણ ક્રિકેટના વાતાવરણમાં રહેલા નીરજભાઈ રામભાઇ ઓડેદરાના પિતા રામભાઇ ઓડેદરા પણ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોચિંગની સેવા આપી અને ક્રિકેટરોને તૈયાર કર્યા છે. આ ઉપરાંત નીરજભાઈના ભાઈ નિલેશભાઈ ઓડેદરા પણ રણજી ટ્રોફીના કેપ્ટન રહી ચૂક્યા છે. આમ પરિવારમાંથી જ ક્રિકેટ અંગેની રુચિ અને જ્ઞાન મળતાં નીરજભાઈ ક્રિકેટ ક્ષેત્રમાં આગળ વધતા ગયા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમને આસિસ્ટન્ટ કોચમાંથી ટીમના કોચની પદવી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ પોરબંદરથી છે અને નીરજભાઈ પણ પોરબંદરના છે. નીરજભાઈએ પોતાના પિતા પાસેથી મેળવેલું ક્રિકેટ જ્ઞાન ઉપરાંત ઇંગ્લેન્ડમાં (ECB) ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડમાં કોચિંગના અભ્યાસમાં લેવલ વન પાસ કરેલું છે. આ ઉપરાંત BCCI દ્વારા સંચાલિત એન.સી.એ નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા કોચના અભ્યાસ માટે લેવલ A પણ પાસ કરેલું છે.
નીરજભાઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે 2015માં બોલિંગ ફિલ્ડિંગ કોચ તરીકે જોડાયા હતા અને સૌરાષ્ટ્રની સિનિયર રણજી ટીમના કોચ છે. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં ભાવનગર, રાજકોટ, પોરબંદર અને જામનગરના 16 પ્લેયર અને 5 સપોર્ટીંગ સ્ટાફ દ્વારા એક મહિના અગાઉથી જ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હતી. તેમણે આ યુનિટી અને પ્રમાણિકતાથી રણજી ટ્રોફીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.
આ પ્રસંગે નીરજભાઈએ જણાવ્યું હતું કે, આગળના દિવસોમાં સૌરાષ્ટ્રના ખેલાડી વધુમાં વધુ ઊંચાઈના શિખર સર કરે અને પ્રગતિ પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાલ લોકડાઉનના સમયમાં ક્રિકેટરોએ કેવી રીતે સમય પસાર કરવો તે પણ તેમણે જણાવ્યું હતું.