હૈદ્રાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી મર્યાદિત ઓવરની મેચોમાં ભરતીય ટીમ માટે વિકેટકીપરની ભૂમિકા નિભાવી રહ્યા છે. વર્ષ 2020ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામેની વનડે સિરીઝ દરમિયાન ઋષભ પંતને ઈજા પહોંચ્યા બાદ રાહુલે વિકેટકિપીંગ કર્યું હતું.
વિકેટકિપીંગથી કેએલ રાહુલે બધાને પ્રભાવિત કર્યા. આ બાબતે વાત કરતા રાહુલે જણાવ્યું કે, એમએસ ધોનીની જગ્યાએ વિકેટ પાછળ કોઈ અન્ય ખેલાડી જોવું ચાહકો માટે સરળ નથી, જે કારણે વિકેટકીપર તરીકે ઘણું દબાણ રહે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં માહીએ ટેસ્ટ ક્રિકેટને કાયમ માટે અલવિદા કહી દીધું હતું. એટલું જ નહીં, 2019માં વર્લ્ડ કપ બાદ ધોનીએ એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યો નથી.
કેએલ રાહુલે જણાવ્યું કે, જે લોકો ક્રિકેટના ચાહક છે, તેઓ જાણે છે કે હું ક્યારેય વિકેટકીપીંગથી દૂર રહ્યો નથી. મેં આઈપીએલમાં વિકેટકીપીંગ કર્યું છે. મેં કર્ણાટક તરફથી વિકેટકીપીંગ પણ કરી છે. હું એક એવો ખેલાડી છું, જે ટીમની જરૂરિયાત મુજબ કોઈપણ ભૂમિકામાં ફિટ થઈ શકે.
રાહુલે વિકેટકિપીંગના અનુભવ વિશે જણાવ્યું કે, હું વિકેટકિપીંગથી નર્વસ હતો કારણ કે, ભારતીય ચાહકોનું ખૂબ દબાણ છે. જો તમે કોઈ બોલ ચૂકી જાઓ તો ચાહકોને લાગે છે કે, તમે એમએસ ધોનીની જગ્યા નહીં લઈ શકો. ધોની જેવા મહાન વિકેટકીપરને બદલવાનું દબાણ ખૂબ વધારે છે. કારણ કે, ચાહકો વિકેટ પાછળ કોઈ અન્ય ખેલાડીને સ્વીકારી શકતા નથી.