નવી દિલ્હી: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે હાલ ટેસ્ટ ક્રિકેટનું જોખમ ઉઠાવવા માંગતો નથી. જેનું એક કારણ એ પણ છે કે, મર્યાદિત ઓવરના ફોર્મેટમાં હાર્દિકની ઉપયોગીતા વધી ગઈ છે. પંડ્યા સપ્ટેમ્બર, 2018થી ટેસ્ટ રમ્યો નથી. પંડ્યાંએ અત્યાર સુધીમાં માત્ર 11 ટેસ્ટ રમી છે, પરંતુ મર્યાદિત ઓવરોમાં આક્રમક ઓલરાઉન્ડર તરીકેની જગ્યા બનાવી છે. ગયા વર્ષે કમરના ઓપરેશન બાદ તે સ્વસ્થ થયો છે.
પંડ્યાએ કહ્યું કે, હવે હું એ વિચારોથી ત્રાસ નથી થતો. કેમ કે, આપણે એ એક પરિવાર તરીકે સ્વીકારી લીધું છે. મારા વિશે સૌથી દુઃખદ વાત એ છે કે, મારા પરિવારને મારી ભૂલની સજા ભોગવવી પડશે, જે મને ક્યારેય સ્વીકાર્ય નથી. હું સ્વીકારૂ છું કે, મારી કારકિર્દીનો એક સમય એવો હતો, જ્યારે બીજાની વાતનો મોટો પ્રભાવ પડતો અને હું વિચલિત થઈ જાતો. મારી આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કોચ રિકી પોન્ટિંગે મને એક બાળકની જેમ સંભાળ્યો. હું રિકી પાસેથી ઘણું શીખ્યો છું.
એક ક્રિકેટ વેબસાઇટને હાર્દિકે કહ્યું કે, "હું મારી જાતને એક બેકઅપ ફાસ્ટ બોલર તરીકે જોઉં છું. પીઠની સર્જરી પછી હમણાં જ ટેસ્ટ ક્રિકેટ રમવું પડકારજનક હશે. જો હું માત્ર એક ટેસ્ટ ક્રિકેટર હોત તો હું રમી શકત, પરંતુ હું તે કરી શકતો નથી કારણ કે હું મર્યાદિત ઓવરના ફોર્મેટમાં મારી ઉપયોગીતા જાણું છું."
પાકિસ્તાન સામે એશિયા કપ મેચ દરમિયાન પડ્યાને ઇજા થતા સ્ટ્રેચર પર મેદાનમાંથી લઈ જવામાં આવ્યો હતો, હાર્દિકે કહ્યું કે, મને લાગ્યું કે મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે, કારણ કે મેં ક્યારેય કોઈને આ રીતે સ્ટ્રેચર પર જતા જોયા નથી. મારી પીડા ઓછી થતી નહોતી, પરંતુ મારું શરીર તાત્કાલિક મૂળ સ્થિતિમાં આવી ગયું.
મહત્વનું છે કે, ગત વર્ષે એક ટીવી શોમાં મહિલા વિરોધી વિવાદીત નિવેદનને કારણે હાર્દિક વિવાદોમાં રહ્યો હતો. પંડ્યાએ કહ્યું હતું કે, આ મારી ભૂલ હતી. જેમાંથી મેં પાઠ શીખી લીધો છે, હું તે ઘટના પછી સમજદાર બની ગયો છું. મેં જીવનમાં ભૂલો કરી હતી, પણ તે સ્વીકારી પણ લીધી છે, જો એ વખતે આવું ન થયું હોત તો હું બીજો ટીવી શો કરતો હોત.