હૈદરાબાદઃ કોરોના વાઇરસના કારણે દુનિયાભરમાં લગભગ તમામ મેચો રદ કરાઇ અથવા તો સ્થગિત કરાઇ છે. ભારતમાં પણ 3 મે સુધી લોકડાઉન વધવાને કારણે BCCI એ આઇપીએલને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી છે.
![નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઇ ક્રિકેટ મેચ રમાશે નહીઃ સૌરવ ગાંગુલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ganguly2_2304newsroom_1587650554_1093.jpeg)
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે કોરોના વાઇરસના કારણે નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઇ ક્રિકેટ મેચ રમાશે નહી. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને તેમાંથી એક જર્મની પણ છે. અને આ કારણોસર જર્મની તેની ફૂટબોલ લીગ ને ફરી શરૂ કરી શકે છે. ગાંગુલીએ કહ્યું હતું કે ભારતની પરિસ્થતિ જર્મનીથી અલગ છે.
![નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઇ ક્રિકેટ મેચ રમાશે નહીઃ સૌરવ ગાંગુલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ganguly_2304newsroom_1587650554_902.jpeg)
ગાંગુલીએ મીડિયાને કહ્યું કે જર્મની અને ભારતની સામાજિક વાસ્તવિકતા ઘણી જુદી છે. નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઇ ક્રિકેટ મેચ રમાશે નહીં. તેમજ કહ્યું કે જ્યાં જીવનું જોખમ હોય ત્યાં રમતની તરફેણમાં હું નથી. કોરોના વાઇરસના કારણે ક્રિકેટ કેલેન્ડર સંપૂર્ણ રીતે અટકી ગયું છે. આના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માર્ચમાં રમાનારી ત્રણ મેચની વન-ડે સિરીઝ પહેલાથી રદ કરવામાં આવી છે.
કોરોના વાઇરસના કારણે વર્ષના અંતમાં રમાનારા ટી-20 વિશ્વકપ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. ભારતીય ટીમના સ્પિનર હરભજન સિંહે પણ અત્યારની સ્થિતિ પ્રમાણે કોઇ મેંચનુ આયોજન નહીં કરવાના ગાંગુલીના નિર્ણયનો સાથ આપ્યો છે. હરભજને કહ્યું કે આઇપીએલની ટીમો પ્રવાસ કરશે તો એરપોર્ટ, હોટલ અને સ્ટેડિયમ્સની બહાર ઘણા લોકો હશે. આપણે તેને કેવી રીતે રોકી શકીએ અને આ રીતે સોશિયલ ડિસ્ટેન્સીંગ કેવી રીતે રહેશે. અત્યારની સ્થિતિ પ્રમાણે જ્યાં સુધી કોરોના વાઇરસની રસી બનાવવામાં ન આવે ત્યાં સુધી ક્રિકેટનું આયોજન કરવું જોઇએ નહી.