નવી દિલ્હીઃ સરકાર તરફથી IPL-2020ના આયોજનની મંજૂરી મળ્યા પછી હવે તમામ ફ્રેન્ચાઇઝીઝે યુએઈ પ્રવાસની તૈયારી કરી લીધી છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટૂર્નામેન્ટ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ સાથે બેઠક થશે. જેમાં ઘણા મોટાં મુદ્દાઓ, ખાસ કરીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પર નિર્ણય લેવામાં આવશે.
આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યો છે. આ સમાચાર કેપ્ટન એમ.એસ.ધોની અને તેમની ટીમની કોરોના પરીક્ષણને લઈને છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીએ જણાવ્યું છે કે, ટીમના કેપ્ટન ધોની અને બાકીના ખેલાડીઓની કોરોના ટેસ્ટ ક્યારે અને ક્યાં કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે, ખેલાડીઓ કેવી રીતે આવશે અને તેમની તપાસ કેવી રીતે કરવામાં આવશે. આના પર, અધિકારીએ માહિતી આપી કે, પહેલા ખેલાડીઓ કોરોના ટેસ્ટમાંથી પસાર થશે અને તે પછી જ તેઓ ચેન્નઈ આવશે. 48 કલાકમાં, ટીમ યુએઈ જશે.
એક રિપોર્ટ મુજબ 20 ઓગસ્ટ પહેલા આઈપીએલની કોઈ પણ ટીમ યુએઈની મુલાકાત લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, ચેન્નઈની ટીમના ખેલાડીઓનો ટેસ્ટ 18 કે 19 ઓગસ્ટના રોજ યોજાઈ શકે છે. ચેન્નાઈ સુપરકિંગ્સના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, ટીમની ખેલાડીઓની વિઝા પ્રક્રિયા સરકારની પરવાનગી મળ્યા પછી જ શરૂ કરવામાં આવશે.
અહેવાલો અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીઓ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ સાથે સતત સંપર્કમાં છે. ચેન્નાઈની ટીમ જલદીથી યુએઈ જવા ઇચ્છતી હતી. પરંતુ બીસીસીઆઈએ 20 ઓગસ્ટ સુધી કોઈ ટીમને યુએઈ જવાનો આદેશ આપ્યો નથી.