રાંચીઃ હાલ મહેન્દ્ર સિંહ ધોની સહિત ટીમ ઇન્ડિયાના બધા ખેલાડીઓ કોરોનાને લીધે ગત્ત ત્રણ મહિનાથી પોતાના હોમટાઉનમાં સમય પસાર કરી રહ્યાં છે. ધોનીનો પહેલો પ્રેમ ક્રિકેટ છે અને અંગત લોકો જણાવે છે કે, ધોની ઝડપનો દિવાનો છે. તે પોતાનો સૌથી વધુ સમય પોતાના આ પ્રેમ સાથે જ વિતાવે છે. ધોનીનું ગેરેજ એક્સોટિક્સ અને સુપર બાઇક્સથી ભરેલું છે.
સુપરબાઇક્સથી ભરેલું છે ધોનીનું ગેરેજ
ધોનીનું ગેરેજ એક્સોટિક્સ અને સુપરબાઇક્સથી ભરેલું છે. જેમાં કાવાસાકી નિંજા, હાર્લે ડેવિડ્સન, ડુકાટી 1098, યામાહા થંડરકૈટ, ટીવીએસ અપાચે, ઇનફિલ્ડ બુલેટ, યામાહા 650 સામેલ છે. ધોનીની પાસે તેની જૂની બાઇક યામાહા આરએક્સ 100 પણ છે, જેને તે સંઘર્ષના દિવસોમાં ખરીદી હતી. ધોનીએ આ બાઇક આજે પણ રાખી છે. ધોની જ્યારે રાંચી આવે છે તો બાઇક રાઇડિંગની મજા જરૂર લે છે. ધોની લોકડાઉન દરમિયાન ટ્રેક્ટરમાં પણ રુચી દાખવી હતી અને નવું ટ્રેક્ટર ખરીદ્યું હતું. ધોની આ ટ્રેક્ટરની મદદથી ઓર્ગેનિક ખેતી કરતો પણ જોવા મળ્યો હતો.
ધોનીની પાસે 10થી વધુ કાર
ધોનીની પાસે દસથી વધુ કાર છે. જેમાં મહિન્દ્રા સ્કોર્પિયોથી લઇને રેન્જ રોવર સુધીની છે. તેમની પાસે હમર એચ-2, સિએરા, મિત્સુબિશી, આઉટલેન્ડર, ટોયોટા કોરોલા અને ઑડી જેવી ગાડીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2007માં ટી-20 સિરીઝમાં ભારતની જીત પર ઝારખંડ સરકારે ધોનીને ટોયોટા કોરોલા ગિફ્ટ પણ કરી હતી, તો 17 ફીટ લાંબી હમર ધોની પોતે દિલ્હીથી રાંચી લઇને આવ્યાં હતાં. પારિવારિક સૂત્રો અનુસાર, ધોની રાંચી આવ્યા બાદ એક-એક ગાડીનું કવર હટાવીને તેની દેખરેખ કરે છે. જો કે, ટ્રાફિકને લીધે તેના ડ્રાઇવિંગની મજા ઓછી લઇ શકે છે.