હૈદરાબાદઃ ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ હીરો જોફ્રા આર્ચરે રાષ્ટ્રીય સ્તરે રમવાનું શરૂ કર્યું, ત્યારથી તે વંશીય ટિપ્પણીઓનો સામનો કરતો આવ્યો છે. આવો વધુ એક બનાવ બન્યો જ્યારે સોશિયલ મીડિયા તેને નિશાન બનાવવામાં આવ્યો.
વંશીય ટિપ્પણીઓથી હતાશ થયેલા 24 વર્ષીય આર્ચરે તેની સામે થઇ રહેલી ભેદભાવભરી વર્તણૂંક સામે યોગ્ય પગલાં ભરવા માટે સત્તાવાળાઓને રજૂઆત કરી છે.
રાઇટ-આર્મ પેસર આર્ચરે ઇન્સ્ટાગ્રામ પર તેને મળેલા મેસેજનો સ્ક્રિનશોટ પોસ્ટ કર્યો છે અને કહ્યું છે કે, તેને સમજાતું નથી કે કેમ કોઇ આવી ટિપ્પણીઓ કરે છે. આર્ચરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વંશીય ટિપ્પણીના સ્ક્રીનશોટની નીચે લખ્યું છે કે, “મેં આના પર પ્રતિભાવ આપવા અંગે ખૂબ જ વિચાર કર્યો અને આશા કરી કે મારા જોડે જે થયું છે, તે અન્ય બીજા કોઇ સાથે નિયમિત રીતે ના થાય. મારું માનવું છે કે આવી ટિપ્પણીઓ સ્વીકાર્ય નથી અને તેનું યોગ્ય રીતે નિરાકરણ લાવવું જોઇએ. મને સમજાતું નથી કે લોકો બીજા માણસ અંગે આવી ટિપ્પણી કરવામાં પોતાને કેટલા મુક્ત માને છે. તે મને હતાશ કરે છે.”
આર્ચર વંશીય ટિપ્પણીનો ભોગ બન્યો હોય તેવું આ પ્રથમ વખત નથી બન્યું. ગયા વર્ષે પણ, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન પણ તેને ટોળામાંથી કરાયેલી વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આવી ટિપ્પણી કરનાર ચાહક પર દેશમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચમાં હાજરી આપવા પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. ઓકલેન્ડના 28 વર્ષીય યુવકે પોલીસ તપાસમાં સ્વીકાર્યું હતું કે, ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન તેણે આર્ચર વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરી હતી. બાદમાં આ યુવકને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા સામે મૌખિક ચેતવણી આપવામાં આવી હતી. ઇંગ્લેન્ડની દક્ષિણ આફ્રિકાની ટૂર દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેની કોણીમાં ફ્રેક્ચર થયું હતું અને હાલ તે સારવાર લઇ રહ્યો છે.