નવી દિલ્હી: ફિટનેસ ટેસ્ટમાં અસફળ રહેનાર ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદગી કરવામાં આવેલી ટીમમાં લેવામાં આવ્યું નથી. હાર્દિક પંડ્યાનો ફિટનેસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જરુર મુજબ નથી. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી માટે તેમને એક ધરેલુ મેચ રમવી પડશે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી એકદિવસીય સીરિઝ માટે તેમની વાપસી થઈ શકે છે. હાર્દિક પંડ્યાએ દાવો કર્યો છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ફિટ થઈ જશે, પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર પંડ્યાનો આ દાવો વ્યક્તિગત છે. હાર્દિક પંડ્યાને લાગે છે કે, તે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે, પરંતુ તેમના ટ્રેનર એસ રજનીકાંતે દાવો કર્યો કે, તે ફિટનેસ ટેસ્ટમાં અસફળ થયો છે. યો-યો ટેસ્ટ નહોતો પરંતુ ફિટનેસ માટે તે ટેસ્ટમાં અસફળ રહ્યો હતો.
NCAમાં છે હાર્દિક પંડ્યા
પંડ્યા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરિઝ દરમિયાન ભારતીય ટીમની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુંબઈમાં રમાયેલ વનડે પહેલા પણ પંડ્યા ટીમ સાથે નેટપ્રેક્ટિસમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેમને (NCA) National Cricket Academyમાં જવા કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે ટીમની જાહેરાત 21 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. ઈજાના કારણે T-20 સીરિઝમાંથી બહાર થયા બાદ શિખર ધવનને વન-ડે ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. T-20 સીરિઝમાં સંજૂ સેમસનને જ્યારે વનડેમાં પૃથ્વી શોને હાર્દિક પંડ્યાના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે.