નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે વર્લ્ડ ક્રિકેટ પર અસર થઈ છે. આ અંગે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ચાલું વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપને લઈ એક વિચાર સૂચવ્યો છે. ગાવસ્કરે કહ્યું કે, હાલ આપણે બધા જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયાએ 30 સપ્ટેમ્બર સુધી વિદેશી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, T-20 વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ ઓક્ટોબરના મધ્ય અથવા ત્રીજા સપ્તાહથી શરૂ થવાની આશાઓ હતી. જે હવે મુશ્કેલ લાગી રહ્યું છે.
![Gavaskar proposes T20 World Cup swap between India and Australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/sunil-gavaskar-1200_2104newsroom_1587466547_319.jpg)
દિગ્ગજ બેટ્સમેને સૂચન આપ્યું છે કે, ભારત ચાલું વર્ષ એટલે કે 2020માં યોજાનારા T-20 વર્લ્ડ કપનું આયોજન કરી શકે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની આગામી આવૃત્તિનું આયોજન કરી શકે છે. એટલે કે ચાલું વર્ષે T-20 વર્લ્ડ કપનું આયોજન ભારત કરે, જ્યારે આસ્ટ્રેલિયા આ જ ફોર્મેટના આગામી વર્લ્ડકપની મેજબાની લઈ કપનું આયોજન કરી શકે છે. આવું થવાથી T-20 વર્લ્ડ કપનું આયોજન શક્ય બની શકે છે. મહત્વનું છે કે, 2021માં T- 20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું છે.
![Gavaskar proposes T20 World Cup swap between India and Australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gavask_2104newsroom_1587466547_116.jpg)
ગાવસ્કરે એમ પણ કહ્યું કે, આવતા વર્ષે T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા એક સમજૂતી કરી શકે છે. જેમાં બંને દેશ વર્લ્ડ કપ હોસ્ટિંગની આપ-લે કરે તો ચાલું વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત પાસે T-20 વર્લ્ડ કપની મેજબાની આવી શકે. જો કે, IPLની 13મી સીઝનનું આયોજન પણ T-20 વર્લ્ડ કપ પહેલા થવું જોઇએ. જો આવું થાય તો T-20 વર્લ્ડ કપ પહેલા IPL યોજાઈ શકે છે. જે T-20 વર્લ્ડ કપ માટેની પ્રેક્ટિસ પણ બની શકે.