ન્યૂઝ ડેસ્ક: એવા ખેલાડીઓ બહુ ઓછા આવતા હોય છે જેના લીધે દર્શકોને રમત કરતા જે-તે ખેલાડીની રમત જોવી વધારે પસંદ પડે છે. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એવા કેટલાક ખેલાડીઓ આવ્યા, જેની ઉજવણી થઇ અને સમયની સાથે તે આગળ પણ વધ્યા, પરંતુ ધોની આવ્યો અને તે તમામ લોકોના દિલમાં વસી ગયો.
એક કેપ્ટન તરીકે ધોનીએ ICC T-20 વર્લ્ડ કપ-2007, ICC 2011 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી 2013ને પોતાના નામે કરી ICC ક્રિકેટના ઇતિહાસમાં એવો પહેલો કેપ્ટન બન્યો જેણે ત્રણેય ટ્રોફી દેશના નામે કરી હતી.
1. 2007 T-20 વર્લ્ડ કપ : જોગિંદર શર્મા પર રાખ્યો વિશ્વાસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ સાથે 141 રન ફટકાર્યા હતાં. જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી ગઇ હતી. જેમાં મેચની છેલ્લી ઓવર કેપ્ટન ધોનીએ જોગિંદર શર્માને આપી હતી જેમાં શમીએ મિસ્બાહ ઉલ હકને વિકેટ ઝડપી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.
2. 2011 વર્લ્ડ કપ : યુવરાજની જગ્યાએ ખુદ ધોનીએ સંભાળી કમાન
2011ના વર્લ્ડ કપમાં ધોનીએ ટાર્ગેટને ચેજ કરતા યુવરાજની જગ્યાએ પોતે કમાન સંભાળી હતી અને બેટિંગ કરી હતી. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 274 રન ફટકાર્યા હતા જેના જવાબમાં ભારતે બેટિંગ કરતા ધોનીની મેચ વિનિંગ ઇનિંગ્સના સહારે શાનદાર રીતે જીત હાંસિલ કરી અને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.
3. 2013 ચેમ્પિયન ટ્રોફી : ભુવનેશ્વરના બદલે ઇશાંત પર ગેમ રમી
2013ની ચેમ્પિયન ટ્રોફી શરૂઆતથી લઇને અંત સુધી યાદગાર રહી હતી. જેમાં ભારતીય ટીમે વરસાદ વચ્ચે 20 ઓવરમાં 129 રન ફટકાર્યા હતાં. જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમને રોકવા માટે ડેથ બોલિંગનો સહારો લેવો પડે તેમ હતો. તે વચ્ચે મેચ છેલ્લા ઓવર સુધી ખેંચાઇ હતી જેમાં કેપ્ટન કુલએ છેલ્લી ઓવર ભુવનેશ્વરના બદલે ઇશાંતને સોંપી હતી. જેનો જવાબ ઇશાંતે આપ્યો હતો અને ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર ચેમ્પિયન ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમીકા ભજવી હતી.