ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કલે કહ્યું કે 2021 મહિલા વિશ્વ કપના ભવિષ્યનો ફેસલો આગામી બે અઠવાડિયામાં કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની (ICC) ટિપ્પણી બાદ સોમવારે બાર્કલેનું નિવેદન આવ્યું છે કે, કોરોના વાઇરસની મહામારી હોવા છતાં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યુઝીલેન્ડમાં યોજાનારી ટૂર્નામેન્ટના સમયપત્રકમાં કોઈ બદલાવ કરાયો નથી.
જોકે ICCને ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા પુરૂષ ટી-20 વિશ્વ કપને સ્થગીત કરવાની ફરજ પડી છે. બાર્કલે કહ્યું કે મહિલા વન-ડે વિશ્વ કપ પર નિર્ણય આગામી બે અઠવાડિયામાં લેવામાં આવશે.
તેમણે કહ્યું કે જો આ સ્પર્ધાને સ્થગિત કરવાની જરૂર છે, તો સમયસર જાણ થઇ જાય તો સારૂ રહેશે અને આ રીતે જો આ સ્પર્ધા યોજાવાની હોય તો અમારે અંતિમ નિર્ણય લેવાની જરૂર છે, જેથી અમે ફેબ્રુઆરીમાં જોરદાર વિશ્વ સ્તરીય સ્પર્ધાના આયોજન માટે જરૂરી સંસાધનો એકત્રીત કરી શકીએ.
ન્યુઝીલેન્ડ કોરોના મહામારીથી સૌથી ઓછા અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રવાસ પર પ્રતિબંધને કારણે ત્યા મુશ્કેલીઓ પડી શકે છે.
બાર્કલે કહ્યું કે બધી ટીમો દુનિયાભરમાં પ્રવાસ કેમ કરી શકશે, કેમ કે તેઓએ બીજા દેશોમાંથી પસાર થઇ ને આવવું પડશે અને તેનું પરિણામ શુ આવશે?
તેમણે વધુમાં કહ્યું કે આ સિવાય ટીમોને આઇસોલેશનના પ્રતિબંધોમાંથી પસાર થવું પડશે અને આ બધા માટે ખર્ચ પણ ઘણો થશે, જેથી બજેટને લગતી મર્યાદાઓ પણ જોવી પડશે.