નવી દિલ્હીઃ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) દ્વારા મંગળવારે ભારતની ટોચની પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઇરાજ રંકીરેડિ અને ચિરાગ શેટ્ટી ઉપરાંત પુરુષ સિંગલ્સ ખેલાડી સમીર વર્માને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
વિશ્વ રેન્કિંગમાં 10માં ક્રમે આવેલા સાત્વિક અને ચિરાગની જોડીની ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થવાની પ્રબળ સંભાવના છે. તેણે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને થાઇલેન્ડ ઓપનમાં તેની પ્રથમ સુપર 500 ટૂર્નામેન્ટ જીતી હતી. આ જોડી ફ્રેન્ચ ઓપન સુપર 750 ટૂર્નામેન્ટમાં રનર્સ અપ રહી છે.
આ જોડીએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં તેઓએ પુરુષ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
સમીર 2011માં હોંગકોંગ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો. તેના માટે ગત વર્ષ એટલું સારું નહોતું પરંતુ તેણે 2018 માં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આ સમય દરમિયાન તે કારકિર્દીની શ્રેષ્ઠ ક્રમાંક 11માં સ્થાને પણ પહોંચ્યો હતો.
BAI આ ઉપરાંત દ્રોણાચાર્ય એવોર્ડ માટે જાણીતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ સ્પોર્ટસ (NIS)ના પ્રમુખ એસ મુરલીધરન અને ભાસ્કર બાબુને નામાંકિત કર્યા હતા.
મુરલીધરને વિમલ કુમાર, રૂપેશ કુમાર અને સનવે થોમસ જેવા ઘણા અન્ય પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડીઓને કોચિંગ આપી છે.
વર્લ્ડ બેડમિંટન એસોસિએશન દ્વારા 1996માં તેમને 'મેરીટોરિયસ સર્વિસ એવોર્ડ' એનાયત કરાયો હતો.
જ્યારે ભારતીય કોચ, બાબુએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના હૈદરાબાદ કેન્દ્રમાં ચેતન આનંદ, સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપને તાલીમ આપી છે. તે હવે સિકંદરાબાદમાં યુવા બેડમિંટન ખેલાડીઓ સાથે કામ કરી રહ્યો છે.
નેશનલ ફેડરેશન દ્વારા ધ્યાનચંદ એવોર્ડ માટે પ્રદીપ ગાંધે અને મંજુસા કંવરને નોમિનેટ કર્યા છે.
એશિયન ગેમ્સમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારા, ગાંધે રમતમાંથી નિવૃત્તિ લીધા પછી ખેલ-પ્રશાસનમાં ગયા હતા અને મહારાષ્ટ્ર બેડમિંટન એસોસિએશન (MBA)ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
સાઉથ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમમાં ભાગ લેનારી મંજુસા ઘણી વખત ડોમેસ્ટિક સર્કિટમાં રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચૂકી છે.
BAIએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ખેલ મંત્રાલયને ભલામણો મોકલતા પહેલા અમે છેલ્લા ચાર વર્ષ દરમિયાન રમતવીરો અને કોચની કામગીરીની નજીકથી આંકલન કર્યુ છે.