- અભિનેતા દિલીપ જોશીનો આજે જન્મદિવસ
- સોશિયલ મીડિયા પર લોકો પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ
- સિરિયલો સિવાય ફિલ્મો અને નાટકોમાં કર્યું છે કામ
હૈદરાબાદ: જેઠાલાલ (Jethalal) તરીકે પ્રખ્યાત થયેલા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. તેમણે વર્ષ 1989થી રંગમંચ અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમની કારકિર્દીએ 2008માં શરૂ થયેલ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' બાદ વળાંક લીધો હતો. જ્યારબાદ તેઓ નવી જ ઉંચાઈઓ હાંસલ કરી રહ્યા છે.
કઈ કઈ ફિલ્મોમાં કર્યું છે કામ
દિલીપ જોશીની સૌપ્રથમ ફિલ્મ સલમાન ખાન સ્ટારર 'મૈને પ્યાર કિયા' હતી. જેમાં તેઓ રસોઈયાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે સલમાન ખાનની અન્ય એક ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં પણ કામ કર્યું હતું. જ્યાબાદ, અક્ષય ખન્ના સાથેની ફિલ્મ હમરાઝ અને શાહરૂખ ખાનની ફિલ્મ 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની'માં પણ કામ કર્યું છે.
TMKOC માં જેઠાલાલ અગાઉ ક્યા પાત્રનો રોલ થયો હતો ઓફર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દિગ્દર્શક આસિત મોદી દિલિપ જોશીના સારા એવા મિત્ર છે. વર્ષ 2008માં સિરિયલ શરૂ થઈ તે અગાઉ આસિત મોદીએ દિલિપ જોશીને જેઠાલાલના પિતા 'ચંપકલાલ ગડા'નો રોલ ઓફર કર્યો હતો. જેના જવાબમાં દિલિપ જોશીએ તેમનાથી વૃદ્ધ વ્યક્તિનો રોલ નહીં થઈ શકે તેમ જણાવ્યું હતું અને તેના બદલામાં તેમણે જેઠાલાલનો રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ શું થયું તે આપણે સૌ જોઈ શકીએ છીએ.