મુંબઈઃ સરોજ ખાનને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી 17 તારીખે બાંદ્રાની ગુરૂનાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના સ્વાસ્થયમાં સુધારો જોવા મળી રહ્યો હતો ત્યાં અચાનક જ ગુરૂવારે મોડી રાત્રે તેમને હાર્ટએટેક આવતા તેમનુ નિધન થયું હતું.
શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જોકો તેમનો કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
સરોજ ખાનના 13 વર્ષની નાની ઉંમરે જ લગ્ન થઈ ગયા હતા. 'એક દો તીન' 'હમકો આજ કલ હૈ ઈંતેઝાર' , 'ધક-ધક કરને લગા' , 'કાંટે નહીં કટતે દિન ઔર રાત' , 'માર ડાલા' જેવા સુપરહિટ ગીત પાછળ સરોજ ખાનનો જ હાથ છે. આ ગીત ભલે ખુબ જ જુના થઈ ચુક્યા હોય પરંતુ આજે પણ જ્યારે આ ગીત સાંભળવા મળે છે ત્યારે લોકો તે જ સ્ટેપ કોપી કરવાનો પ્રયત્ન કરે છે. આ વાતથી તમે પણ અંદાજ લગાવી શકો છો કે સરોજ ખાન સિનેમા જગતનું કેટલું મોટું વ્યક્તિત્વ ધરાવતા હશે.
સરોજ ખાને દુનિયાને અલવિદા કહી દીધું છે, જેથી બોલીવુડ જગતમાં પણ શોકની લાગણી પ્રસરી છે. આવો જાણીએ તેમના જીવન વિશે...
સરોજ ખાનનું અસલી નામ નિર્મલા નાગપાલ હતું. સરોજના પિતાનું નામ કિશનચંદ્ર સદ્ધૂ સિંહ અને મા નું નામ નોની સદ્ધૂ સિંહ છે. વિભાજન બાદ સરોજ ખાનનો પરીવાર પાકિસ્તાનથી ભારત આવી ગયો. સરોજે ફિલ્મી કેરિયરની શરૂઆત 3 વર્ષની ઉંમરે કરી હતી. તેમની પહેલી ફિલ્મ 'નઝરાના' હતી જેમાં તેઓએ શ્યામા નામની બાળકીનું પાત્ર ભજ્વ્યુ હતું. ત્યારબાદ 50ના દશકમાં સરોજ ખાન બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરવા લાગ્યા હતા.
સરોજે ડાંસની ટ્રેનિંગ બી સોહનલાલ પાસેથી લીધી હતી. પોતાના ટ્રેનર બી સોહનલાલ સાથે સરોજ ખાને લગભગ 13 વર્ષની ઉમરે જ લગ્ન કરી લિધા હતા. સોહન લાલ પહેલાથી જ વિવાહીત હતા. બન્નેની ઉમરમાં ખુબ જ ફર્ક પણ હતો. સરોજ ખાને પોતાના લગ્ન વિશે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું એક દિવસોમાં સ્કુલમાં ભણતી હતી. ત્યારે એક દિવસ મારા ડાન્સ માસ્ટર સોહનલાલે ગળામાં કાળો દોરો બાંધી દિધો હતો ને મારા લગ્ન થઈ ગયા હતા.'
પોતાના લગ્નની વાત કરતા સરોજ ખાને વધુમાં કહ્યું કે, ' મે પોતાની મર્જીથી જ ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો. તે સમયે મને અનેક લોકોએ પુછ્યુ કે કોઈના દબાવમાં આવીને તો આ પગલુ નથી ભર્યુ ને ?. પરંતુ મને ઈસ્લામથી પ્રેરણ મળતી હતી તેથી મે આ પગલું ભર્યુ હતું.'