મહેસાણા: હાસ્ય કલાકર ઘનશ્યામ નાયકને ગળામાં મોટી ગાંઠ સહીત નાની 8 જેટલી ગાંઠોનું મુંબઈના તબીબ ડો. હિતેન છેડા દ્વારા ચાર કલાકની સર્જરી બાદ સફળ ઓપરેશન કરી તમામ ગાંઠ દૂર કરાઇ છે. 10 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા અપાવમાં આવશે. ત્યાર બાદ નવરાત્રીથી તેઓ શૂટિંગમાં જોડાશે.
રંગમંચથી ટીવી અને ફિલ્મોના પડદા પર પોતાની આગવી ભૂમિકામાં હાસ્ય કલાકાર તરીકે કિરદાર નિભાવનારા લોકના મનોરંજનનો ખજાનો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" સીરિયલના નટુકાકા એવા ઘનશ્યામ નાયકની તબિયત કમજોર થતા તેમને સારવાર હેઠળ રખાયા છે.
નાનાથી લઈ મોટા લોકોના ચહેરા પર લાખો ચિંતાઓ હોવા છતાં તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં નટુકાકાને જોતા હાસ્યનો સાગર વહી જાય છે, તેવા હાસ્ય કલાકર ઘનશ્યામ નાયક મૂળ વડનગરના ઉંઢાઈ ગામના વતની છે.
રંગમંચથી લઈને મોટા પડદા પર લોક ચાહનાથી હાસ્ય જગતનો હિસ્સો બનેલા ઘનશ્યામ નાયકને છેલ્લા કેટલાક દિવસથી ગળામાં દુખાવો થતો હોવાથી હોસ્પિટલાઈઝ કરાયા હતા. જેઓના ગળામાં એક મોટી ગાંઠ સહિત નાની 8 જેટલી ગાંઠ હોવાથી પીડા થતી હોવાની જાણકારી તબીબી તપાસમાં સામે આવી હતી.
તેમને મુંબઈના તબીબ ડો. હિતેન છેડા દ્વારા ચાર કલાકની ભારે જહેમત ઉઠાવી ઓપરેશન કરી તમામ ગાંઠ દૂર કરાઇ છે. હાલમાં ઓપરેશન બાદ નટુકાકા 10 દિવસ સારવાર હેઠળ રહેશે. 10 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા અપાવમાં આવશે. જે બાદ નવરાત્રીથી તેઓ શૂટિંગમાં જોડાશે.
નટુકાકા એટલેકે ઘનશ્યામ નાયકની લાખો ચાહકો દ્વારા તેમના સારા આયુષ્ય માટે પ્રર્થના કરવામાં આવી હતી. જે આજે સફળ ઓપરેશન થતા સાર્થક સાબિત થઈ છે ત્યારે ઘનશ્યામ નાયકે પણ તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે તબીબી ક્ષેત્રે તેમને સારી સારવાર આપવા બદલ હોસ્પિટલના તબીબ સહિત સ્ટાફનો પણ આભાર માન્યો છે
(માહિતી સૂત્રોના હવાલેથી)