હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેની સંસ્થા ‘ધ દેવરાકોંડા ફાઉન્ડેશન’ દ્વારા ગયા એક મહિનામાં 17, 723 મિડલ ક્લાસ કુટુંબો ને જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડયાનો અહેવાલ રજુ કર્યો હતો. આ સંસ્થાની સ્થાપના તેણે ગયા વર્ષે જ કરી હતી. આ કાર્યમાં તેણે ‘મિડલ ક્લાસ ફંડ’ ની મદદથી 17,121,103 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
વિજયે તેની ‘મિડલ ક્લાસ ફેમિલી’ માટે એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, " આજથી 30 વર્ષ બાદ હું 60 વર્ષનો થઈ જઈશ જ્યારે તમે 30, 40, 50, 70, 80, 90, વર્ષના થઈ ગયા હશો. આ કોરોના ફક્ત એક યાદ બનીને રહી જશે. આ સમય વિચિત્ર છે જે આપણને એકબીજા ને મળતાં રોકી રહ્યો છે, ગળે મળતાં રોકી રહ્યો છે, ફક્ત એક ઉધરસનો અવાજ એક બોમ્બ ધડાકા જેવો લાગી રહ્યો છે.
અત્યારના સમયને જ્યારે યાદ કરીશું ત્યારે એક એવા સમય તરીકે યાદ કરીશું જેનો સામનો આપણે સૌએ સાથે મળીને કર્યો હતો. આપણી પાસે આવી કેટલી યાદો હશે? કેટલાક આ સમયને યાદ કરીને હસશે, કેટલાક ભાવુક પણ થશે.
અને પછી આપણે એ લોકોને યાદ કરીશું કે જેઓ આવા સમયમાં આપણી પડખે ઉભા રહ્યા હતા. જેમને ઓળખતા પણ ન હતા. પરંતુ તેમણે એ રીતે સાથ આપ્યો કે જાણે તેઓ આપણા પોતાના જ હોય."