બોલિવૂડ ડેસ્ક: વરુણ ધવનની ફિલ્મ ‘મિસ્ટર લેલે’ હાલ હોલ્ડ પર રાખવામાં આવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં વરુણ અને જાહન્વી કપૂર હતા. બંને હાલ તેની બીજી ફિલ્મોમાં વ્યસ્ત છે અને તારીખનું સેટિંગ ન થવાના કારણે આ ફિલ્મનું શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. ડિરેક્ટર શશાંક ખૈતાને આ અંગે જાણકારી આપતા ટ્વીટ કર્યું હતું કે, ‘મિસ્ટર લેલેમાં અપડેટ છે. મેં, કરણ અને વરુણે સાથે મળીને ફિલ્મના શૂટિંગને પોસ્ટપોન કરવાનું નક્કી કર્યું છે. આ સ્ક્રિપ્ટ અમને બધાને ગમે છે અને અમે ફરી આના પાર ચોક્કસ કામ કરશું. પરંતુ ફિલ્મના શૂટિંગ માટે શેડયૂઅલ બનાવવું ઘણું અઘરું હતું કારણકે ફિલ્મની કાસ્ટ પાસે સમય નથી.’
વધુમાં તેમણે લખ્યું હતું કે, ‘મને ખાતરી છે કે હું અને વરુણ ટૂંક સમયમાં સાથે ફરીવાર કામ કરશું એ પછી મિસ્ટર લેલે અથવા બીજું કંઈક નવું હોઈ શકે છે. તેની સાથે કામ કરવાની અલગ જ મજા છે અને તે મારી જિંદગીનો સારો અનુભવ હોય છે.’
પ્રોડ્યૂસર, ડિરેક્ટર અને એક્ટર ટ્રિઓ કરણ જોહર, શશાંક ખૈતાન અને વરુણ ધવન આ ફિલ્મમાં ફરીવાર સાથે કામ કરવાના હતા. ‘બદરીનાથ કી દુલ્હનીયા’ અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા’માં વરુણે ડિરેક્ટર સાથે કામ કર્યું હતું. આ પહેલીવાર નથી કે ડિરેક્ટ અને એક્ટરની ફિલ્મ હોલ્ડ પર મુકાઈ હોય. આ અગાઉ પણ તેમની એક પિરિયડ ડ્રામા ફિલ્મ ‘રણભૂમિ’ શરૂ થતા પહેલાં જ હોલ્ડ પર મૂકી દેવાઈ હતી.
એક અહેવાલ અનુસાર ફિલ્મની સ્કિપ્ટને લઈને કંઈક સમસ્યા સર્જાઈ છે. આ સિવાય એક્ટર્સની ડેટ્સનાં કારણે શૂટીંગમાં મોડું થઈ રહ્યું છે. શશાંકે ફિલ્મનાં પ્રી-પ્રોડક્શનનું કામ ઘણા સમય પહેલા શરૂ કરી દીધુ હતું. પરંતુ સ્ટાર્સ તરફથી તારીખો મળી નથી રહી. આ માટે ફિલ્મનાં કામને આગળનાં સ્ટેજ પર લઈ જવામાં તકલીફ પડી રહી છે. રિપોર્ટસની માનીએ તો ફિલ્મને આ મહિને પણ ફ્લોર પર આવવાની હતી, અને મુંબઈમાં તેનું શૂટીંગ થવાનું હતું, પરંતુ હવે એવો અંદાજ લાગી રહ્યો છે કે હજુ શૂટીંગ શરૂ થવામાં સમય લાગશે.