મુંબઈ: અભિનેતાના પિતા કે.કે.સિંહએ પટણામાં FIR નોંધાવ્યા બાદ, બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.
સુશાંતના પિતાએ જ્યારે પટણામાં રિયા ચક્રવર્તી સહિત કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી ત્યારથી બિહાર પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. બિહાર પોલીસની એક ટીમ તપાસ માટે મુંબઈ ગઈ છે. જોકે, આ કેસમાં CBI તપાસની માગ પણ વધી રહી છે.
ઉપરાંત, બિહાર પોલીસ પણ તેની તપાસમાં કોઈ કસર છોડવા માગતી નથી. બિહાર પોલીસની આ ટીમ મુંબઇમાં સુશાંત સાથે સંકળાયેલા લોકોની પૂછપરછમાં લાગી છે.
એક અગ્રણી ચેનલના રિપોર્ટ મુજબ, હવે બિહાર પોલીસ સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની કાસ્ટ અને ક્રૂની પૂછપરછ કરશે.
રિપોર્ટ અનુસાર, 1 જુલાઇના રોજ શુક્રવારે બિહાર પોલીસે મુકેશ છાબરાની પણ પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કે.કે.સિંહના રિપોર્ટ બાદ રિયા ચક્રવર્તીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને તેણે આ કેસ મુંબઈ સ્થાનાંતરિત કરવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટ 5 ઓગસ્ટના રોજ રિયાની અરજી પર સુનાવણી કરશે.