મુંબઇ: કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે વાઈરસના કેસો નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. સામાન્ય લોકોથી લઈને હસ્તીઓ સુધીના પણ કોરોનાથી સંક્રમિત થયા છે. 5 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ સિંગરની હાલત સુધરી રહી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે કે, તેમની તબિયત નાજુક છે અને તેઓ કોરોના વાઈરસ સામે યુદ્ધ લડી રહ્યાં છે. હાલમાં સિંગરને આઈસીયુમાં ખસેડાવામાં આવ્યા છે.
એસ.પી.બાલાસુબ્રમણ્યનમાં કોરોનાના હળવા લક્ષણો હતા. જ્યારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિંગરની સારવાર હોસ્પિટલમાં સારી ચાલી રહી હતી. સિંગરે એક વીડિયો પણ બનાવ્યો હતો અને ચાહકોને કહ્યું હતું કે ચિંતા ન કરો. વીડિયોમાં સિંગરે કહ્યું કે, 'મને બે-ત્રણ દિવસથી છાતીમાં દુખાવો હતો. મને થોડો કફ પણ છે. પરંતુ ગાયક તરીકે તે સામાન્ય વાત છે. મને થોડો તાવ આવ્યો હતો. મેં વિચાર્યું કે હું હોસ્પિટલમાં જઈશ અને તેની તપાસ કરાવીશ. ત્યાં મને ખબર પડી કે મને કોરોનાનાં હળવા લક્ષણો છે. હોસ્પિટલે મને ઘરના એકાંતમાં રહેવાનું કહ્યું, પરંતુ મેં હોસ્પિટલમાં જોડાવાનું નક્કી કર્યું. મારા પરિવારને મારી ઘણી ચિંતા છે.'
હોસ્પિટલમાં દાખલ થયા પછી, તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. પરંતુ આજે અચાનક જ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમની સ્થિતિ ફરી નાજુક બની ગઈ છે. જે બાદ દરેક ચાહક તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.