મુંબઈ: કોવિડ-19 જેવી ભયાનક મહામારીમાં સંક્રમણને રોકવા દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાંય પરપ્રાંતિયો ઘરથી દૂર ફસાઇ ગયા હતા. તેવામાં જે પરપ્રાંતિયો મુંબઈમાં ફસાયા હતા તેઓને મદદ કરવા સોનુ સૂદ આગળ આવ્યા છે. અભિનેતાએ બસ, ટ્રેન, વિમાન દ્વારા પરપ્રાંતિયોને પોતાના ઘર પહોંચાડવામાં મદદ કરી છે.
હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે, સોનુની ફિલ્મ 'આર રાજકુમાર'માં તેની સાથે કામ કરનારા અભિનેતા સુરેન્દ્ર રાજન શૂટિંગના કામથી મુંબઇ આવ્યા હતા. પરંતુ કોરોનાને કારણે શૂટિંગ બંધ કરવામાં આવી અને તે 3 મહિનાથી મુંબઇમાં ફસાયા છે. આ વાતની જાણ સોનુને થતાં તેણે સુરેન્દ્રને ફોન કરી તેમની સંપૂર્ણ વિગતો માગી હતી. સોનુએ સુરેન્દ્રને કહ્યું કે, તેઓ તેને 17-18 જૂન સુધીમાં તેમના ઘરે મોકલશે.
સોનુ પરપ્રાંતિયોને પહોંચાડવાનું ઉમદા કામ કરી રહ્યા છે. તેમણે ઉતર પ્રદેશ, બિહાર, પંજાબ, ઓડિશા વગેરે રાજ્યોમાં હજારો પરપ્રાંતિયોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી છે. અભિનેતાના કામની પ્રશંસા સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકારણીઓ સહિત બોલિવૂડ સ્ટાર્સ પણ કરી રહ્યા છે.