પડદા પરની તેમની હાજરી અને બુલંદ અવાજના કારણે તેમને ખાસ યાદ કરવામાં આવે છે. તેમણે બનાવેલી ઐતિહાસિક ફિલ્મો જેમ કે પુકાર (1939), સિકંદર (1941) અને પૃથ્વી વલ્લભ (1943) તેમની સૌથી યાદગાર ફિલ્મો પૈકીની ફિલ્મોમાં સમાવિષ્ટ થાય છે. તેમની ફિલ્મો વિશે કહેવાતું હતું કે, અંધ વ્યક્તિ પણ સોહરાબ મોદીના યાદગાર ડાયલોગ સાંભળવા માટે ખાસ જતા હતા. વિશ્વના સૌથી સન્માનીય શાયર મિર્ઝા ગાલિબના જીવનને તે પડદા પર લાવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રપતિ ભવનમાં સોહરાબ મોદીની ફિલ્મનું ખાસ સ્ક્રીનીંગ ગોઠવ્યુ હતું.
સોહરાબ મોદીને ભારતીય સિનેમામાં તેમના વિશેષ યોગદાન માટે ફિલ્મ જગતમાં સર્વોચ્ચ ગણાતો દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ 1979માં એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ વિખ્યાત નાટ્યકાર અને લેખક વિલિયમ સેક્સપિયરની યાદગાર કૃતિ હેમલેટને હિન્દી શ્રોતાઓ સુધી પહોંચાડવા બદલ, તેમજ સિકંદર, પુકાર, મિર્ઝા ગાલિબ જેવી અવિસ્મરણીય ફિલ્મોમાં અભિનય માટે ખાસ દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરાયો હતો. વર્ષ 1960માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તેમણે જ્યૂરી મેમ્બર તરીકે પણ સેવા આપી હતી.
તેમણે ફિલ્મોમાં માત્ર અભિનય જ નહિ પ્રોડ્યૂસર તરીકે પણ જવાબદારી નિભાવી હતી. વર્ષ 1954માં રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલ બેસ્ટફિલ્મ માટે મળ્યો હતો. સાથે સાથે રાષ્ટ્રપતિ તરફથી ગોલ્ડ મેડલ પણ બેસ્ટ હિન્દી ફિલ્મ માટે પણ એનાયત કરાયો હતો. સોહરાબ મોદીની ફિલ્મોની માફક તેમનું જીવન પણ હંમેશા ચર્ચમાં રહેતું હતું. તે સમયે સુંદરતા ધરાવતી નસીમ સાથે તેમના સંબંધો હતા કે જે કોઈ કારણસર 1946માં નસીમ સાથેના સબધોનો અંત આવ્યો હતો અને 1948માં અભિનેત્રી મહેતાબ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સોહરાબ મોદીની ઉંમર 48 વર્ષ અને મહેતાબની ઉંમર માત્ર 20 વર્ષની હતી. મહેતાબને મુખ્ય રોલમાં ચમકાવતી ઐતિહાસિક એવી ઝાંસી કી રાની ફિલ્મ 1953માં બનાવી હતી..જે તે સમયની સૌથી ખર્ચાળ ફિલ્મ બનાવી હતી, જેમાં ટેક્નોકલરની ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવી હતી. પણ ઝાંસી કી રાની ફિલ્મ ખૂબ ખરાબ રીતે પીટાઈ જતા સોહરાબ મોદીને ખૂબ જ નુકસાન થયું હતું.
તેના બીજા જ વર્ષે તે તેમના જીવનની સૌથી મહત્વની એવી ફિલ્મ મિર્ઝા ગાલિબ લઈને આવ્યા હતા. જે મિર્ઝા ગાલિબના જીવન પર પર આધારિત ફિલ્મ હતી અને જેમાં હિન્દી અને ઉર્દુનો બખૂબી ઉપયોગ થયો હતો. મિર્ઝા ગલીબનો રોલ તે સમયના મોટા અભિનેતા ભારત ભૂષણે કર્યો હતો તો આ ફિલ્મમાં સૂરિયાએ અભિનેત્રીનો રોલ કર્યો હતો. સૌ કોઈ ત્યારે નવાઈ પામી ગયા હતા કે જ્યારે 86 વર્ષની જૈફ વયે તેમણે ફિલ્મ ગુરુ દક્ષિણાની જાહેરાત કરી હતી. પણ કમનસીબે વર્ષ 1984ના જાન્યુઆરી મહિનાની 28મી તારીખે બોનમેરો કેન્સરને કારણે તેમનું અવસાન થતાં ફિલ્મ અધૂરી રહી ગઈ હતી. ભારતીય સિનેમામાં તેમના આ યોગદાન માટે સોહરાબ મોદીને વિશેષ યાદ કરવામાં આવશે.