મુંબઇ : સુશાંત સિંહ રાજપૂતની મોતની સાથે ઘણાં સવાલો સામે આવી રહ્યાં છે. એક્ટર્સ, ડાયરેક્ટર્સ સહિત તમામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સુશાંતના નિધનથી દુઃખી છે. માત્ર 34 વર્ષની ઉંમરે જ સુશાંતે જીવન ટૂંકાવી નાખ્યું, કોઈની તેની પાછળનું કારણ સમજાઈ નથી રહ્યું. દરેક વ્યક્તિ પોતાનું રિએક્શન આપી રહી છે. ત્યારે એક્ટર-ડાયરેક્ટર શેખર કપૂરે પણ સુશાંતના મોત પર દુઃખ વ્યક્ત કર્યું કર્યું છે. તેમણે ટ્વિટ કરીને એક્ટરના સુસાઈડને ખૂબ જ પેઈનફુલ ગણાવ્યું છે.
શેખર કપૂરે ટ્વિટ કરતા લખ્યું કે, તું જે પીડા અનુભવી રહ્યો હતો તેનો મને અહેસાસ હતો. જે લોકોએ તને કમજોર બનાવ્યો અને જેમના કારણે તૂ મારા ખભા પર માથું રાખીને રડતો હતો એ લોકોની કહાની હું જાણું છું. કાશ છેલ્લા 6 મહિના હું તારી સાથે હોત. કાશ તે મારી સાથે વાત કરી હોત. જે કંઈ પણ થયું તે બીજા કોઈના કર્મો હતો. શેખર કપૂરની આ પોસ્ટ ઘણી બાબતો તરફ ઈશારો કરી રહી છે. જેમ કે ચર્ચા ચાલી રહી છે કે સુશાંત સિંહ રાજપૂત કામ નહીં આપવા બદલ ઈન્ડસ્ટ્રીના ટોચના ડાયરેક્ટરોથી પરેશાન હતો. એવી પણ ચર્ચા છે કે કેટલાક મોટા બેનરોએ સુશાંતને કામ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે આ બાબતો કેટલી સાચી છે તેનો કોઈની પાસે પુરાવો નથી.
ઉલ્લેખનીય છે કે, શેખર કપૂર અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ 'પાની'માં સાથે કામ કરવાના હતા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મની જાહેરાત કરાઈ હતી, પરંતુ યશરાજ બેનરે હાથ પાછો ખેંચી લેતા ફિલ્મ પડતી મૂકાઈ હતી. શેખર કપૂર આ ફિલ્મમાં રીતિક રોશનને કાસ્ટ કરવા માંગતો હતો, પરંતુ અંતે તેણે સુશાંત સિંહ રાજપૂતને સિલેક્ટ કર્યો હતો.
શેખર કપૂરે પણ કહ્યું હતું કે, સુશાંતે આ પ્રોજેક્ટ માટે ખૂબ મહેનત કરી હતી અને જ્યારે યશરાજે આ ફિલ્મ બનાવવાની ના પાડી ત્યારે તે ખૂબ નિરાશ થયો હતો. સુશાંતના મોત બાદ હવે લોકો કરણ જોહર, આલિયા ભટ્ટ જેવા સેલેબ્સને પણ ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહે છે કે સુશાંત કોઈ સ્ટાર કિડ નહોતો, આથી તેને ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો સામનો કરવો પડી રહ્યો છે.