મુંબઇ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીએ રાઈઝીંગ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને ગુમાવ્યો છે. અભિનેતાએ રવિવારે તેના મુંબઇના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટના બાદ સોશ્યિલ મીડિયા પર શોકનો માહોલ છવાયો છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર બોલિવૂડના ઘણા મોટા સ્ટાર, નિર્માતાઓ અને દિગ્દર્શકોએ દુઃખ વ્યક્ત કર્યું છે.
આ દરમિયાન બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને સુશાંતના મોત અંગે લોકોના વલણ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. સૈફે સુશાંતની આત્મહત્યાના સમાચારને તકલીફ આપનારા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'આ ખૂબ જ ભયંકર અને દુઃખદ છે.'
એક અગ્રણી પોર્ટલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, 'સુશાંતના મોત અંગેના સમાચારો તદ્દન વિચિત્ર છે. ઘણા લોકો એવા છે કે જેઓ સોશ્યિલ મીડિયા પર ટિપ્પણી કરી રહ્યાં છે. આ જોઈને મને એવું લાગે છે કે લોકો આ ઘટનાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહ્યાં છે. આ એકદમ શરમજનક છે. સુશાંત સાથેના અકસ્માત માટે લોકોએ મૌન રાખવું જોઈએ અને આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તે લોકો હવે પ્રેમ બતાવી રહ્યાં છે જે લોકોએ સુશાંતની કદર કરી નથી.
તેમણે વધુમાં કહ્યું, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. અહીં કોઈ કોઈની ચિંતા કરતું નથી. પણ જે લોકો આ ઢોંગ કરી રહ્યાં છે તેનાથી એ મૃત વ્યક્તિનું અપમાન થાય છે, તેની આત્માનું અપમાન થાય છે. લોકો અલગ અલગ એંગલ બનાવી રહ્યાં છે, જે ખૂબ જ દુઃખદ છે.'
અભિનેતાએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે તે લોકડાઉન અને સોશ્યિલ મીડિયાના કારણે હોઈ શકે છે. દુઃખની વાત એ છે કે બોલિવૂડના લોકો ફિલ્મોથી આગળ વિચારતા નથી. જીવનમાં ફિલ્મો સિવાય ઘણું બધું છે. કદાચ તે વ્યક્તિગત બાબતોથી ઉદાસ હોઈ શકે છે. કદાચ ફિલ્મો સાથે સંકળાયેલ ના પણ હોય. આ બાબતે તમે કશું કહી નથી શકતા.'