મુંબઈઃ ગુરુવારે સવારે 8:45 વાગ્યે મુંબઈમાં અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે અવસાન થયું છે. તે ગત 2 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. કપૂરના અવસાન અંગે તેમના પરિવારે એક સંદેશ જાહેર કર્યો છે. જેમાં પ્રશંસકો, મિત્રો અને પરિવારજનોને દેશમાં લાગૂ લોકડાઉન અને કાયદાનું પાલન કરવા અંગે આગ્રહ કરવામાં આવ્યો છે. કપૂર પરિવાર દ્વારા જાહેર સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, આપણા પ્રિય ઋષિ કપૂરે કેન્સર સામે 2 વર્ષ લડીને આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. હોસ્પિટલના ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફે જણાવ્યું કે, અંતિમ સમય સુધી તેઓ મનોરંજન કરતા રહ્યા હતા.
સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, 2 ખંડોમાં ગત 2 વર્ષ દરમિયાન પોતાની સારવારમાં તે દ્રઢતા સાથે લડી રહ્યા હતા. આ દરમિયાન તેમનું સંપૂર્ણ ધ્યાન પરિવાર, મિત્રો, ભોજન અને ફિલ્મો પર રહ્યું હતું. તેમને મળવા આવનારા દરેક લોકો હેરાન હતા. કારણ કે, તેમણે ક્યારેય પણ પોતાની બીમારીને કોઈ પ્રકારે પ્રકટ થવા નહોતી દીધી.
સમગ્ર દુનિયામાંથી મળેલા પ્રેમ માટે તેઓ પ્રશંસકોના આભારી હતા. તેમની અંતિમ ઈચ્છા હતી કે, તેમની વિદાઈ મુસ્કાન સાથે કરવામાં આવે, આંસુઓ સાથે નહીં. આ કોરોનાની વિકટ પરિસ્થિતીમાં લોકડાઉનનું પાલન કરવા પ્રશંસકો, શુભ ચિંતકો, મિત્રો અને પરિવારને અમારો આગ્રહ છે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી.