રફી સાહેબે દરેક ગીતને પોતાના અંદાજમાં ઢાળીને ગીતને અનોખો સૂર આપ્યો છે. તે ધર્મ અને મઝહબથી ઉપર ઇન્સાનિયતની કદર કરતા હતા. રફી સાહેબે ભજન પણ ગાયા છે. તેમના ગાયેલા ભજન આજે પણ આસપાસનું વાતવરણ ભક્તિમય બનાવી દે છે.
તો આવો જાણીએ તેમની જિંદગીની અણમોલ ક્ષણ વિશે...
મોહમ્મદ રફીને દુનિયા રફી સાહેબના નામથી નવાજે છે. રફી સાહેબ ભારતના પ્રખ્યાત ગાયકમાંથી એક હતા. તેમની પાસેથી પ્રેરણા લઈ અનેક ગાયક કલાકારો નીકળ્યા પણ તેના અવાજનો જાદુ ચાહકોના સર પર હતો. રફી સાહેબે 1940થી 1980 સુધીમાં 26,000 ગીતોનું નિર્માણ કર્યું હતું. જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
રફી સાહેબે હિન્દી ગીતો સિવાય ગઝલ, ભજન, દેશભક્તિ ગીત, કવાલી જેવી ભાષાઓમાં ગીતોને સૂર આપ્યો છે. મોહમ્મદ રફીએ બોલીવુડના ઘણા અભિનેતા પર ગીતો ફરમાવ્યા છે. જે હસ્તિઓને યાદ કરીએ તો, ગુરુ દત્ત, દિલિપ કુમાર, દેવ આનંદ, ભારત-ભૂષણ, જોની વોકર, શમ્મી કપૂર, રાજેશ ખન્ના, બિગ બી, ધર્મેન્દ્ર અને ઋષિ કપૂર તથા ગાયક કલાકાર કિશોર કુમાર માટે ગીતો ગાય ચૂક્યા છે.
કંઈક એવી રીતે થયું સંગીત અને આત્માનું મિલન...
મોહમ્મદ રફી સાહેબનો જન્મ 24 ડિસેમ્બર 1924માં અમૃતસર પંજાબમાં થયો હતો. પહેલા રફી સાહેબનો પરિવાર પાકિસ્તાનમાં રહેતો હતો, પરંતુ ત્યારબાદ રફી સાહેબ જ્યારે નાના હતા ત્યારે તેમનો પરિવાર લાહોરથી અમૃતસર આવી ગયો હતો. આ સમયે તેમના પરિવારમાંથી કોઈ પણ સંગીત વિશે જાણતા ન હતા.
રફી સાહેબ જ્યારે નાના હતા, ત્યારે તેના મોટા ભાઈને હજામની દુકાન હતી. તેના મોટાભાઇ હામિદે રફી સાહેબના સંગીત પ્રત્યેની રૂચી જોઇને રફી સાહેબને ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાનની પાસે લઇ ગયા અને સંગીતની શિક્ષા લેવા માટે કહ્યું હતું. રફીજીએ પહેલું ગીત 13 વર્ષની ઉંમરમાં સાર્વજનિક પ્રદર્શનમાં ગાયું હતું. તેમના ગાયન પર શ્યામ સુંદર જે તે સમયના ફેમસ સંગીતકાર હતા, તે રફી સાહેબના અવાજથી પ્રભાવિત થયા અને તે જ મહેફિલમાં રફીને ગાયકી માટે આમંત્રણ આપ્યું હતું.
કોઈ ઓળખાણના મોહતાજ નથી રફી સાહેબ...
મોહમ્મદ રફી સાહેબને નૌશાદ દ્વારા કમ્પોઝ કરાયેલું ગીત ‘તેરા ખિલૌના તૂટા’ ફિલ્મ-અનમોલ ઘડીમાંથી પ્રથમ વખત તેમને હિન્દી જગતમાં ખ્યાતી મળી હતી. ત્યારબાદ રફીજીએ શહીદ, મેલા અને દુલારીમાં પણ ગીતોને સૂર આપ્યો જેનાથી તે ખુબ પ્રખ્યાત થયા હતા. બૈજુ બાવરાના ગીતોએ રફીજીને ફેમસ ગાયકના રૂપમાં સ્થાપિત કર્યા હતા. ત્યારબાદ નૌશાદે રફીને પોતાના નિર્દેશન હેઠળ ઘણા ગીતો ગાવા આપ્યા હતા. આ જ સમયે શંકર જય કિશનને પણ રફી સાહેબનો અવાજ ખુબ જ પસંદ પડ્યો હતો.
જયકિશન તે સમયે રાજકપૂર માટે સંગીતનું કામ કરતા હતા. પરંતુ રાજકપૂરને મુકેશનો અવાજ જ પસંદ હતો. ‘ચાહે કોઈ મુજે જંગલી કહે’ ફિલ્મ-જંગલી, ‘અહેસાન તેરા હોગા મુજ પર’ ફિલ્મ-જંગલી, ‘યે ચાંદ સા રોશન ચેહરા’ ફિલ્મ-કશ્મીર કી કલી, ‘દિવાના હુઆ બાદલ’ ફિલ્મ-કશ્મીર કી કલી. આ બધા ગીતોને લઇ તેમની નામના ખુબ વધી હતી.
રફી સાહેબના સદાબહાર ગીત...
ઓ દુનિયા કે રખવાલે, યે હૈ બોમ્બે મેરી જાન, સર જો તેરા ચકરાયે, હમ કિસી સે કમ નહીં, ચાહે કોઇ મુજે જંગલી કહે, મૈ જટ યમલા પગલા દિવાના, ચઢતી જવાની મેરી, હમ કાલે હૈ તો ક્યા હુઆ, પરદા હૈ પરદા, અબ તુમ્હારે હવાલે વતન સાથિઓ (દેશભક્તિ ગીત), નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મે ક્યા હૈ, ચક્કે પે ચક્કા (બાળકોનું ગીત), મન તડપત હરી દર્શન કો આજ (શાસ્ત્રીય સંગીત), સાવન આયે યા ના આયે. આ બધા જ ગીતો રફી સાહેબના ચાહકોના હોઠો પર સાંભળવા મળે છે.
સંગીત ક્ષેત્રમાં ઘણા ગાયક કલાકાર આવ્યા પરંતુ જે ગીતોમાં ધુન રફી સાહેબે આપી તેને ભુલી શકાય તેમ નથી. આજે પણ તેના ગીતોના રિમિક બની રહ્યા છે. એ કહેવું જરા પણ ખોટું નથી કે ભલે આ સૂરોના બાદશાહ આપણી વચ્ચે નથી પરંતુ તેના ગીતોની રોશનીથી હિન્દી સિનેમા જગત આજે પણ ઝળહળતું રહેશે.