નવી દિલ્હીઃ બંગાળી ફિલ્મની અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ મિમી ચક્રવર્તી ઈંગ્લેન્ડથી મંગળવારે ભારત પરત ફરી હતી. જે બાદ તેણે આજે જાહેરાત કરી કે, કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખી અને સાવધાની તરીકે આગામી 14 દિવસ સુધી ઘરમાં બિલકુલ અલગ જ રહીશ અને પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત નહીં કરું. કોલકાતામાં સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતાં જ મિમિને થર્મલ સ્ક્રીનિંગ અને કોરોના વાયરસ સંબંધિત અન્ય ઔપચારિકતામાંથી પસાર થવું પડ્યું હતું.
એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પશ્ચિમ બંગાળની જાધવપુર લોકોસભા બેઠકથી ટીએમસીના સાંસદ છે. કોરોના વાયરસને કારણે દેશભરના એરપોર્ટ્સ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. બુધવારે લંડનથી પરત ફરેલા મિમી ચક્રવર્તીને 14 દિવસ સુધી પોતાના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે .
કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના તમામ કર્મચારી ગુરુવારથી એક કલાક પહેલા નિકળી જશે. જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારે ભીડ ન થાય.
તેણે અન્ય કલાકારો સાથે ટર્મિનલથી બહાર નીકળતી વખતે લોકોને અપીલ કરી કે, મહામારીને ફેલાતી રોકવા સરકારી આદેશોનું પાલન કરો. જાધવપુરથી લોકસભા સભ્ય મિમિ ચક્રવર્તીએ કહ્યું, હું દુબઈ થઈને અહીંયા પરત ફરી છું. તેથી તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. મેં મારા માતા-પિતાને મને ઘરે મળવા ન આવવા જણાવ્યું છે. મારા પિતાની ઉંમર 65 વર્ષથી વધારે છે. આગામી સાત દિવસ સુધી હું મારા ઘરમાં જ રહીશ.