નવી દિલ્હીઃ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે થયેલી ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેને લઈને અભિનેતા અને રાજનેતા કમલ હાસને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કમલ હાસને કહ્યું કે, પીએમ મોદી લોકો સાથે ભાવનાત્મક રુપે રમી રહ્યાં છે. કમલ હાસને સર્વદળીય બેઠકમાં વડા પ્રધાનની ટિપ્પણીઓ પર પ્રશ્નો ઉઠાવતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
આ બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, લદ્દાખમાં ભારતની સીમામાં ન તો કોઇ ઘુસ્યું છે અને ન તો આપણી કોઇ ચોકી પર કોઇ અન્યએ કબ્જો કર્યો છે.
કમલ હાસને કહ્યું કે, પ્રશ્ન કરવો એ રાષ્ટ્ર વિરોધ નથી. અમે ત્યાં સુધી પ્રશ્ન પૂછતા રહીશું જ્યાં સુધી સત્ય બહાર ન આવે. કારણ કે, વડા પ્રધાન મોદીના નિવેદન સેના અને વિદેશ મંત્રાલયના સ્ટેટમેન્ટથી વિરોધાભાસી છે.
શુક્રવારે થયેલી સર્વદળીય બેઠક બાદ વિપક્ષે સરકારની ટીકા કરતા કહ્યું કે, તેમણે LAC પર પુરી રીતે સ્થિતિ સ્પષ્ટ કરી નથી, જેના કારણે ભારતીય સૈનિકો પર ક્રુર હુમલો થયો હતો.
કમલ હાસને કહ્યું કે, અમુક સૂચનાઓ ગોપનીય રાખવામાં આવે છે, પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, સરકારનું કર્તવ્ય હતું કે, આ સંવેદનશીલ સમયમાં સરકારે દેશને ખૂબ સારી રીતે સૂચિત કરવા જોઇએ.