મુંબઇ: બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ તેમના મુંબઈ એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.જો કે તેમની આત્મહત્યા જેવા મોટા પગલા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. આ કારણો શોધવા પોલીસ તપાસ કરી રહી છે.
અભિનેતાના અંગત સંબંધોથી લઈને વ્યાવસાયિક જીવન વિશે પોલીસે તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં સુશાંતના પરિવાર, મિત્રો, મેનેજર, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત ઘણા લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે.
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7684268_____sushant-instagram.jpeg)
આ દરમિયાન તેમનું એકાઉન્ટ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર 'મેમોરાઇઝ્ડ' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આ કેટેગરીનો અર્થ છે કે, કોઇના ગયા પછી આ એકાઉન્ટ તેના યાદમાં સાચવી રાખવું.
સુશાંતનો અંતિમ સંસ્કાર મુંબઇમાં કરવામાં આવ્યો હતો. તેમના અસ્થિયોને તેમના પરિવાર દ્વારા પટનાની ગંગામાં વિસર્જીત કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન ફક્ત તેમના પિતા અને બહેનો સહિતના ખૂબ જ નજીકના લોકો હાજર હતા.
સુશાંત સાથે કામ કરતી તેની ટીમ બોલિવૂડ એક્ટરને યાદ રાખવા માંગે છે. તેમની ટીમે સુશાંતના નામે સેલ્ફમ્યુઝિંગ નામની વેબસાઇટ શરૂ કરી છે, જેમાં સુશાંતના કાર્ય, વિચારો, કોટ્સ, અભ્યાસ સંબંધિત પોસ્ટ્સ મૂકવામાં આવશે. ટીમ તેના ચાહકોમાં સુશાંતની યાદોને જીવંત રાખવા માટે આ કરી રહી છે.