અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી લોકપ્રિય થયેલો મલ્હાર અગાઉ વર્ષ 2012માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ માં નાની ભૂમિકા ભજવી ચૂક્યો હતો. આ સિવાય સુપરહિટ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં પણ મલ્હાર વર્ષ 2013ના એક એપિસોડમાં જેઠાલાલના મિત્ર પરાગનું પાત્ર ભજવી ચૂક્યો છે. મલ્હાર ઠાકરે ‘છેલ્લો દિવસ’, ‘પાસપોર્ટ’, ‘થઈ જશે’, ‘શું થયું’, ‘શરતો લાગુ’ અને ‘લવની ભવાઈ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી જનતાને મનોરંજન પૂરું પાડ્યું છે. મલ્હાર ઠાકરનો જન્મ 28 જૂન, 1990ના રોજ ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો હતો અને ઉછેર અમદાવાદમાં થયો છે.
અભિનેતા મલ્હાર ઠાકર વિશે જાણી અજાણી વાતો...
- ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કલાકારો પૈકીમાંના એક મલ્હાર ઠાકરનો આજે 31મો જન્મ દિવસ છે
- 'વિકીડા' થી લઈને 'સાહેબ' સુધીના પાત્રોને પોતાની પ્રતિભાથી ન્યાય આપીને ઢોલીવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે
- મલ્હારની પ્રથમ ફિલ્મ ભલે વર્ષ 2015માં આવેલી 'છેલ્લો દિવસ' હોય, પરંતુ તે પહેલા તેણે 9 વર્ષ સુધી થિયેટર કર્યું છે
- આ સિવાય લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેટલાક એપિસોડમાં પણ કામ કર્યું છે
- માત્ર એક્ટિંગ જ નહીં, 30 વર્ષની ઉંમરે મલ્હારે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કરી દીધું હતું. જેનું નામ 'ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ' છે
- અત્યાર સુધી મલ્હારે 15 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોમાં નાના મોટા રોલ્સ કર્યા છે
- તેની ફિલ્મ 'લવ ની ભવાઈ' 100 દિવસથી વધારે સમય થિયેટર્સમાં રહી હતી
- કોરોના મહામારીમાં મલ્હારે પોતાનું NGO શરૂ કર્યું હતું. જેના દ્વારા તેણે કોરોના સંક્રમિત લોકોની મદદ કરતો હતો
- મલ્હારની છેલ્લી વેબ સિરિઝ 'વાત વાતમાં' તાજેતરમાં જ રિલિઝ થઈ હતી
- આ વેબ સિરિઝનું ટ્રેલર રિલિઝ થયું તે સમયે તેમણે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી
- કોરોના મહામારીના સમયમાં લોકોને કંઈક પોઝિટિવ કન્ટેન્ટ પીરસવાના પ્રયાસથી આ વેબ સિરિઝ બનાવવામાં આવી હતી. જેણે ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.
- આગામી સમયમાં મલ્હાર ઠાકર વિકીડાનો વરઘોડો, સારાભાઈ, ધુરંધર, કેસરીયા અને લોચા લાપસી જેવી ફિલ્મોમાં જોવા મળશે