હૈદ્રાબાદ: તેલંગાણા સરકાર દ્વારા રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મો તથા ટીવી સિરિયલોના નિર્માણ કાર્યને લીલીઝંડી આપવામાં આવતા ફિલ્મ સિટી રાબેતા મુજબ ધમધમતી થઈ છે. આ માટે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ દ્વારા ફિલ્મનિર્માણ તથા ટીવી સિરિયલ નિર્માણને લગતી તમામ પ્રવૃત્તિઓ શરૂ કરવાના દસ્તાવેજો પર સહી કરી આપવામાં આવતા ETVની અનેક પ્રખ્યાત ટીવી સિરિયલના શૂટિંગ ફિલ્મ સિટી ખાતે શરૂ થઈ ગયા છે.
સીતમ્માં વકિટલો સિરીમલ્લે ચેટ્ટુ, કે જે ETV ચેનલ પર પ્રસારિત થતી એક પ્રખ્યાત ટીવી સિરિયલ છે, તેનું નિર્માણ કાર્ય આરંભી દેવામાં આવ્યું છે. જો કે, સમગ્ર પ્રક્રિયામાં ખૂબ ઓછા લોકો કામ કરી રહ્યા છે. જેથી સામાજિક અંતર પણ જળવાઈ રહ્યું છે. તેમજ સાવચેતીના તમામ પગલાં આવી રહ્યા છે. લોકડાઉન બાદ RFCની અંદર આવેલું ઇટીવી ભારત પણ જીવંત થયું છે.
અઢી મહિનાથી નિર્માણ પ્રવૃત્તિઓ બંધ રહ્યા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઊર્જા સાથે કામકાજ શરૂ થયું છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારની મંજૂરી બાદ ટીવી સિરિયલોના શૂટિંગમાં પણ કોરોના માટે સરકારે જાહેર કરેલી અનેક ગાઇડલાઇન્સનું પાલન થઈ રહ્યું છે.
સેટ પરના તમામ ઇન્ડોર તથા આઉટડોર શૂટિંગ લોકેશન સેનેટાઈઝ્ડ કરવામાં આવ્યા છે. તમામ કલાકારો અને ટેકનિકલ સભ્યો માટે થર્મલ સ્ક્રીનીંગ ગોઠવવામાં આવ્યું છે. શારીરિક તાપમાન ચકાસવાની સાથે જ તેમને માસ્ક અને સેનેટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
આ સાથે જ સેટ પર ડીસઇન્ફેક્શન ટનલ મૂકવામાં આવી છે. કેમેરા અને અન્ય ઉપકરણો પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. અમુક કલાકારોએ જાતે જ મેકઅપ કરવાનો આગ્રહ રાખ્યો છે, જ્યારે મેકઅપ આર્ટીસ્ટો પિપીઇ કોશ્ચ્યુમ પહેરીને મેકઅપ કરી રહ્યા છે.
મોટાભાગના કલાકારો તેમના ઘરે બનેલું ભોજન લાવી રહ્યા છે. તેમજ સૌ કોઈ માસ્ક અને હેન્ડ-ગ્લવઝ પહેરી કામ કરી રહ્યા છે. ફક્ત 20થી 30 સભ્યોની હાજરીમાં શૂટિંગ આટોપવામાં આવ્યું છે. સેટ પરના કલાકારો અને કસબીઓ RFC દ્વારા જે રીતે સલામતીના પગલાં લેવામા આવ્યા છે તે જોઈને પ્રભાવિત થયા હતા. આ દ્વારા તેમને કોરોના મહમારીના ભયાનક વાતાવરણ વચ્ચે પણ કામ કરવાની હિંમત મળી હતી.
આ અંગે અભિનેત્રી યમુનાએ જણાવ્યું કે, અમે પહેલા સંજોગોનો વિચાર કરી શૂટિંગ માટે અચકાતા હતા પરંતુ સેટ પરનું વાતાવરણ અને જે રીતે સલામતીના પગલાં લેવામા આવી રહ્યા છે, તે જોઈને હું ખૂબ જ ખુશ છું. લોકડાઉન બાદ આ મારું પ્રથમ શૂટ છે.
અન્ય એક અભિનેત્રી લક્ષ્મી રંજને ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું કે, હું તો કોરોના મહામારીના સમયમાં શૂટિંગના નામથી જ ગભરાતી હતી પરંતુ પ્રોડકશન હાઉસ દ્વારા મને સેનેટાઈઝ કરાયેલી કાર મોકલવામાં આવી. હું સેટ પર લેવામાં આવતા સલામતીના પગલાં જોઈને ખુશ છું. અમે અઘરા દ્રશ્યોનું શૂટિંગ કરતી વખતે પણ શારીરિક અંતર જાળવી રાખીએ છીએ. બની શકે કે એના લીધે કામ એટલું વ્યવસ્થિત ન થતું હોય પરંતુ અમે સખત મહેનત કરીશું.
સિરિયલના નિર્દેશક કોંડેટી કિરણે કોરોના મહામારી વચ્ચે શૂટિંગ કરવાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે, હું છેલ્લા એક વર્ષથી આ સિરિયલનું નિર્દેશન કરું છું. તેના અત્યાર સુધીમાં 1,426 એપિસોડ પ્રસારિત થયા છે. લોકડાઉનના કારણે અમે ત્રણ મહિના સુધી શૂટિંગ કર્યુ ન હતું. લોકોને મનોરંજન જોઈતું હતું અને અમને અમારું જીવન. લાંબા સમયગાળા બાદ આખરે પરિસ્થિતિ પૂર્વવત થઈ છે જેનો અમને આનંદ છે.